• દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચમાં ૨૦ કરોડના વિકાસ કાર્યોના ખાતમુર્હત લોકાર્પણ કરાશે.

જામનગર મોર્નિંગ - તા.20 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ગીર સોમનાથ જુનાગઢ થી દ્વારકા જિલ્લાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર અને આંતરરાષ્ટ્રીય કક્ષાની અત્યાધુનિક સુવિધાઓ સાથે રુપિયા ૨૯૫. ૮૫ કરોડના ખર્ચે મત્સ્ય બંદર નિર્માણનું ખાતમુહૂર્ત કરશે.યુરોપિયન યુનિયનના નિયમ મુજબ બનનાર નવા બંદર ખાતે નેટમેન્ડિગ શેડ, રેસ્ટ શેડ. એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ, ડોરમેટરી હોલ, બોટ રીપેરીંગ વર્કશોપ, રેડિયો કોમ્યુનિકેશન ટાવર નેટવર્ક સી-વોટર સપ્લાય જેવી બાબતો ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ બંદરનો વિકાસ કરવામાં આવશે.

ઉપરાંત જૂનાગઢ મહાનગર પાલિકાના ભૂગર્ભ ગટર યોજના અંગેના કામકાજનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત બાદ કેશોદ ખાતે રેશનકાર્ડ ધારકો સાથે સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સાંજે દ્વારકા શિવરાજપુર ખાતે ૨૦ કરોડના પ્રવાસનને લગતા કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે અને આજે સોમનાથ ખાતે રાત્રે રોકાણ કરશે જ્યાં આગેવાનો સાથે બેઠક કરશે. આવતીકાલે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરીને વિવિધ કાર્યક્રમો આગળ વધારશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય. તે પહેલા જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં અલગ-અલગ જિલ્લા અને તાલુકાઓમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં ૬ મહાનગરપાલિકાઓની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે અને જો ચૂંટણીની તારીખ જાહેર થઈ જાય તો અનેક વિકાસના કામોનાં લોકાર્પણ અટકાઈ જાય જેથી ચૂંટણી જાહેર થવાના હવે ગણતરીના દિવસો છે, ત્યારે આ દિવસનો લાભ ઉઠાવીને રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં અનેક વિકાસના કામોનાં લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરી રહ્યા હોવાની વાતો પણ સામે આવી રહી છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં જ તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત ના કામ હાથ ધરવામાં આવ્યાં છે.