દિલ્હીની સિંઘુ સરહદે ગોઠવેલા બેરિકેડ્સને તોડાયા, ગાઝીપુર અને ટિકરી બોર્ડર પર પણ ઘર્ષણ

જામનગર મોર્નિંગ - દિલ્હી  

ગણતંત્ર દિવસે દિલ્હી પોલીસ તરફથી મંજૂરી મળ્યા બાદ ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ટ્રેકર પરેડ યોજી છે. પોલીસ દ્વારા દિલ્હી આસપાસની સરહદ પર ગોઠવવામાં આવેલા બેરિકેડ્સને ખેડૂતોએ તોડી પાડ્યા છે. ખેડૂતોએ સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદ પર  પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં પ્રવેશવાનું શરૂ કરી દીધું છે. આવો જ નજારો ગુરુગ્રામમાં ફરિદાબાદમાં પણ જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસ સમક્ષ ખેડૂતોને રોકવા તેમજ કયદો અને શાંતિ વ્યવસ્થાને જાળવવાનો પડકાર રહેલો છે. ખેડૂતોએ બેરિકેડ્સ તોડતા પોલીસે તેમને આગળ વધતા અટકાવવા અશ્રુ ગેસના સેલ છોડ્યા હોવાનું પણ જણાયું છે.

અગાઉ ખેડૂતોએ પરેડ માટે ટ્રેક્ટરોની સફાઈ કરી ચમકાવ્યા હતા. રાષ્ટ્રધ્વજ અને બેનર સાથે ટ્રેક્ટરને શણગારીને ખેડૂતો વહેલી સવારમાં જ દિલ્હી સરહદ આસપાસ ગોઠવાઈ ગયા હતા. ગણતંત્ર દિવસ સમારોહ અને ખેડૂતોની પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડને પગલે રાજપથ તેમજ પાટનગરમાં આવેલી સરહદ ઉપર હજારો સશસ્ત્ર સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દીધા છે. પોલીસ દ્વારા લવાયેલા વોટર કેનન સહિતના વાહનો પર ખેડૂતો ચઢી ગયા હતા અને ટ્રેક્ટર પરેડને આગળ ધપાવવા માગ કરી રહ્યા છે.

ત્રણ કૃષિ કાયદાને પગલે ખેડૂતો બે મહિનાથી વિરોધ કરી રહ્યા છે અને અગાઉ ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે તેમની ટ્રેક્ટર પરેડ ફક્ત દિલ્હી રિંગ રોડ પર યોજાશે અને શહેરમાં મધ્ય દિલ્હીમાં પ્રવેશ નહીં કરે. અગાઉ પોલીસે જણાવ્યું હતું કે રેલીને પગલે ગાઝિયાબાદથી દિલ્હીમાં પ્રવેશ કરવાની તમામ સરહદ સીલ કરી દેવામાં આવી છે. કોઈપણ બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે. દરમિયાન ખેડૂતના એક સંગઠન કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ પોલીસે જણાવેલા રેલીના રૂટને લઈને અસહમતિ વ્યક્ત કરી હતી અને અલગ રૂટ પર ટ્રેક્ટર પરેડ યોજવા જણાવ્યું હતું.

દિલ્હી પોલીસ દ્વારા સૂર્ય નગર, અપ્સરા બોર્ડર અને ભોપુરા બોર્ડર પણ સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ખેડૂતોના પ્રદર્શનને પગલે એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હી પોલીસ મુજબ વઝીરાબાદ રોડ, આઈએસબીટી રોડ, જીટી રોડ, પુશ્તા રોડ, વિકાસ માર્ગ, નેશનલ હાઈવે 24, રોડ નંબર 57 અને નોઈડા લિંક રોડ પર ભારે ટ્રાફિક જામ છે માટે આ રસ્તાનો ઉપયોગ ના કરવો.