પત્નીના આડાસંબંધના વહેમમાં આંકલાવના મુંજકુવામાં પિતાએ હત્યા કર્યાનો ઘટસ્ફોટ, હત્યારાને ઝડપી લેવાયો

જામનગર મોર્નિંગ - આણંદઆંકલાવ તાલુકાના મુંજકુવા ગામે રમવા ગયેલી પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલો મૃતદેહ ઘરથી ૩૦૦ મીટર દૂર ઝાડી-ઝાંખરામાંથી સોમવારે મળી આવ્યો હતો. પોલીસની ટીમોએ આ સમગ્ર ઘટનામાં ગણતરીના સમયમાં પત્નીના આડાસંબંધના વહેમમાં પિતાએ સગી દીકરીનું ફ્રોકના દુપટ્ટાથી ગળુ દબાવી હત્યા કરી નાંખનાર હત્યારા પિતાને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આંકલાવ તાલુકાના મુંજકુવા ગામે મહાકાળી માતા વાળા ફળિયામાં રહેતા શૈલેષભાઈ મોહનભાઈ પઢીયાર વડોદરાની એલેમ્બિક કંપનીમાં કોન્ટ્રાકટમાં નોકરી કરે છે અને પોતાનું તેમજ પરિવારનું જીવનગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ સોમવારે તેઓની રમવા ગયેલી પાંચ વર્ષની દીકરી પૂર્વીનો મૃતદેહ ઘરથી ૩૦૦ મીટર દૂર આવેલ ઝાડી-ઝાંખરામાંથી મળી આવ્યો હતો. આંકલાવ પોલીસે પાંચ વર્ષીય બાળકીના મૃતદેહનુ પી.એમ કરાવતા ગળું દબાવી હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ સમગ્ર બનાવની તપાસમાં આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજિયાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ આંકલાવના પી એસ આઈ પી. કે. સોઢા ઉપરાંત આણંદ એલ.સી.બી પી એસ આઈ પી. એ. જાદવ, એસઓજી પી.આઈ. જી. એન. પરમાર સહિતના અઘિકારીઓ તેમજ સ્ટાફના માણસોની ટીમો દ્વારા બાળકીના હત્યારાને ઝડપી પાડવા ટેકનિકલ સેલ, ડોગસ્કોડ, સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમનસોર્સ, ઉપરાંત બીજા આનુશંગીક પુરાવાઓ આધારે તપાસ કરતા હત્યાનો ભોગ બનનાર પાંચ વર્ષીય પૂર્વીના સગા પિતા શૈલેષ પઢીયાર દ્વારા જ પોતાની સગી પુત્રીનું ગળુ દબાવી હત્યા કરી નાખવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા ગણતરીના સમયમાં હત્યારા પિતા શૈલેષ પઢીયારને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પત્નીને પણ કથીરી મારવાની દવા લસ્સીમાં આપ્યાની શક્યતાઓ


આંકલાવ તાલુકાના મુંજકુવા ગામે પાંચ વર્ષની બાળકીનું સગા પિતા દ્વારા ફ્રોકના દુપટ્ટા વડે ગળુ દબાવી હત્યા કર્યાની ઘટનામાં પત્નીના આડા સંબંધોને લઈને હત્યારા પતિ શૈલેશ પઢિયારે પત્ની નિમિષાબેનને પણ કથેરી મારવાની દવા અમુલ લસ્સીમાં નાંખી આપી હોવાનુ કહેવાઈ રહ્યુ છે. ત્યાર બાદ બાળકીને મારી નાંખવાના ઇરાદે ઘરેથી પોતાના ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં લોકો કામ કરતા હોવાથી ઘરે પાછો આવવા નીકળી ગયો હતો. પરંતુ ઘરથી દુર ૩૦૦ મીટરના અંતરે આવેલી પુળાની ઘોઈ પાસે બાળકીને તેના પિતાએ ગળુ દબાવી હત્યા કરી નાંખી ઝાડી-ઝાંખરામાં નાંખી દીધી હતી. ત્યારબાદ શૈલેષ પઢીયાર પોતાની પત્નીને હોસ્પિટલમાં લઇ ગયો હતો અને બાદમાં નાટકીય રીતે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. અને પુત્રીનો મૃતદેહ જોયા બાદ પોતે બેભાન કે અસ્વસ્થ હોઈ તેવું પણ નાટક કરવા લાગ્યો હતો.


દંપતીના કજિયામાં પુત્રીનો ભોગ લેવાયો


પાંચ વર્ષની બાળકીનુ ગળુ દબાવી હત્યામાં પોલીસની ટીમોએ સતત બે દિવસ હાથ ધરેલી તપાસમાં શૈલેષ પઢીયારને તેની પત્નીના ચારિત્ર્યને લઈને શંકાઓ હતી. જેને લઇને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેમાં પત્ની પોતાની બાળકીને લઈને જતી રહેવાનું જણાવતી હતી. જેથી ઉશ્કેરાયેલા શૈલેષ પઢીયારે જ પોતાની સગી પુત્રીને તેના જ ફ્રોકના દુપટ્ટા વડે ગળેફાંસો આપી હત્યા કરી નાંખી હોવાનો વિગતો પ્રકાશમાં આવી છે.


પુત્રી કોની એની શંકામાં હત્યા કરી 

પોલીસની પૂછપરછમાં આરોપી પિતાએ કબૂલાત કરી કે બંને વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતા અને પત્ની પરના વહેમમાં તેને છૂટા થઇ જવા માટે કહેતાં તેણીએ પુત્રીને સાથે લઇ જવાનું જણાવ્યું જેથી શૈલેષે કહ્યું હતું કે,‘પુત્રી તો મારી છે હું તને નહિ આપું, પરંતુ આવેશમાં આવી ગયેલી પત્નીએ પણ કહી દીધું કે,‘છોકરી તારી છે જ નહીં એ તો મારા પ્રેમીની છે’ તેમ કહેતાં આરોપી શૈલેષ વધુ શંકાશીલ બની ગયો હતો અને તેની શંકા દૃઢ બનતાં જ શૈલેષે આવેશમાં આવી પુત્રીની હત્યા કરી નાંખી હતી.