જામનગર મોર્નિંગ - ભાણવડ તા.10 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હમણાં ગુન્હાખોરી અને પોલીસની સતર્કતા બને વધી રહી છે ચાલુ મહિનામાં જ જીલ્લામાં બે હત્યાઓ થઇ, હમણાં તાજેતરમાં ભાણવડમાં મોટી લૂંટ થઇ હતી. ખંભાળિયામાં જાહેરમાં નગ્ન સરઘસ જેવી ગુન્હાખોરી કાઠું કાઢી રહી છે સાથે પોલીસની કામગીરી પણ વધુ સાવધ અને સતર્ક બની છે જીલ્લામાં થયેલ બંને હત્યામાં થોડા સમયમાં જ આરોપીઓનું પગેરૂ દાબીને ઝડપી પાડ્યા હતા. ત્યારે જીલ્લાના ભાણવડ પાસેથી જંગી પ્રમાણમાં નસીલા ગાંજાનો જથ્થો ઝડપાયો છે.

ભાણવડ-જામ જોધપુર રોડ ઉપર, ત્રણ પાટીયાથી આશરે દોઢેક કિલોમીટર દુર રાત્રીના અંધકારનો લાભ લઈને માદક પદાર્થ ગાંજો ઘુસાડનાર ઈસમ બટુકભાઇ ઉર્ફે બુઢ્ઢાભાઇ કમાભાઇ પરમાર જાતે કોળી ઉ.વ. ૪૧ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ જામ જોધપુર ખરાવડ પ્લોટ, શેરી નંબર ૩ સરકારી નિશાળની બાજુમાં, આવાસના મકાનમાં મુળ રહે. સુરત, કામરેજ, ડાડા ભગવાન કોમ્પ્લેક્ષ તા. કામરેજ જી. સુરતવાળાના કબ્જામાં રહેલ એક્ટીવા મોટર સાયકલમાંથી ૧૦ કિલો ૪૬૪ ગ્રામ કિં.રૂ.૧૦,૪૬૪૦/-(એક લાખ ચાર હજાર છસો ચાલીશ)ની કિંમતના માદક પદાર્થ ગાંજાના જંગી જથ્થા સાથે પકડી લીધેલ તેમજ મજકુર ઈસમની અંગ ઝડતીમાંથી મોબાઈલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/- તથા માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ એક્ટીવા મો.સા. કિં.રૂ.૪૦૦૦૦/- કુલ મળી રૂ.૧,૪૬,૬૪૦/-ના મુદામાલ સાથે પકડી લઈ એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૦૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ મજકુર ઈસમે ગુન્હો દાખલ કરાવી મજકુર ઈસમ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

ઉપરોક્ત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર જે.એમ.ચાવડા, પોલીસ સબ ઇન્સપેક્ટર એ.ડી.પરમાર, એસ.ઓ.જી. એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, પો.હેડ કોન્સ. દિનેશભાઇ પરબતભાઇ માડમ, પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા, મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ, નિલેશભાઇ હાજાભાઇ કારેણા, રાકેશભાઇ નટવરલાલ સિધ્ધપુરા, ડ્રા.પોલીસ કોન્સ.કિશોરભાઈ બાબાભાઈ ડાંગર વિગેરે જોડાયેલ હતા.