• તાલુકા પંચાયતના ઉમેદવાર ચુંટણી જીતવા માટે મતદારોને લોભાવવા માટે કે રોકડી કરાવવા માટે બે થી પાંચ લાખ ખર્ચી રહ્યા છે અને જીલ્લા પંચાયતના ઉમેદવાર દસ થી પચાસ લાખ અને હવે તો આકડો કરોડોમાં આંબવા આવ્યો છે. આવા પ્રતિનિધિ ચુંટીને મતદારો શું કામ કરાવશે ?
  • જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બેફામ નાણાનો દુરુપયોગ


તીરછી નજર કોલમ - ભરત હુણ

જે આઝાદી માટે દાયકાઓ સુધી લડ્યા હતા એ આઝાદી આજે કોડીના ભાવે વેચાવા લાગી ! જે મતદારોના હાથમાં દેશનું સુકાન છે એ મતદારો જ વેચાય જાય , લોભાઈ જાય તો લોકશાહી શું કરે ?

જામનગર, દેવભૂમિ દ્વારકા જીલ્લા સહીત ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જોરશોરથી ચાલી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં રોડ,રસ્તા,વીજળી,પીવાના પાણી, શિક્ષણ, પ્રાથમિક આરોગ્ય જેવા સામાન્ય મુદ્દા હોવા જોઈએ જે કામ કરવાની સ્થાનિક સ્વરાજ્યની બોડી , મહાનગર પાલિકા, નગર પાલિકા અને તાલુકા જીલ્લા પંચાયતને સત્તા હોય છે.

હાલમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આવા પ્રાથમિક મુદ્દાઓને દેશના મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા સાઈડમાં મુકીને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જીતવા બોડી બનાવવા માટે , વિવિધ સમાજ , ધર્મના આગેવાનો અને અમુક ઠેકેદારોને બોલાવી શામ,દામ અને દંડની નીતિ અપનાવી રૂપિયાના કોથળા ઠાલવી દેવાઈ યેનકેન પ્રકારે દબાવી દેવાઈ છે.

તાલુકા પંચાયતના ઉમેદવાર ચુંટણી જીતવા માટે મતદારોને લોભાવવા માટે કે રોકડી કરાવવા માટે બે થી પાંચ લાખ ખર્ચી રહ્યા છે અને જીલ્લા પંચાયતના ઉમેદવાર દસ થી પચાસ લાખ અને હવે તો આકડો કરોડોમાં આંબવા આવ્યો છે. આવા પ્રતિનિધિ ચુંટીને મતદારો શું કામ કરાવશે ?

જયારે ચુંટણી યોજાનાર હોય ત્યારે ચુંટણી આદર્શ આચાર સહિતા મુજબ શાંત વાતાવરણમાં થાય તે જોવાની જવાબદારી ચુંટણી પંચ અને દરેક જીલ્લાના વડા તરીકે જીલ્લા કલેકટરની હોય છે. પણ હકીકત એવી છે કે ચુંટણી પંચ અને તંત્ર એના કામ માંથી પરવારતું નથી. પરવારે તો એ જોવા નીકળે ને કે ક્યાં શું ચાલે છે ! દરેક ચુંટણીમાં થતા રૂપિયાના વ્યય, દારૂ , ભજીયા પાર્ટી આ બધુ જ હવે ઓપન સિક્રેટ જેવું થઇ ગયું છે બધા જ ને ખબર છે પણ કોઈ ને ખબર નથી એવો ડોર કરે છે. પણ વાસ્તવિકતા એ છે કે જો મતદારો જ ખરીદાવા ઉત્સુક હોય તો બીજા શું કરે છે . જે આઝાદ લોકશાહી દેશમાં સૌથી શ્રેષ્ઠ દરજ્જો જેમને મળ્યો છે તે છે મતદારો હવે તેમણે જ ગુલામી કરવી હોય તો તેને કોણ સમજાવે !