જામનગર મોર્નિંગ - ભાણવડ તા.02 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં તાલુકા સેવા સદન સામે સરકારી ખરાબામાં આવેલ ગેરકાયદેસર વિશાળ કોમ્પ્લેક્સ ઘણા વિવાદો બાદ ગત તા.23/12ના રોજ પ્રાંત અધિકારી ખંભાળિયા, સીટી સર્વે, મામલતદાર, નગરપાલિકા અને પોલીસ જવાનોના કાફલા સાથે તોડી પડાયું હતું.

ડિમોલેશન કરાયેલ કોમ્પ્લેક્સના પથ્થરો સહીતનો કાટમાળ નગરપાલિકાના ટ્રેકટર અને જે. સી. બી. દ્વારા લગભગ બે થી ત્રણ દિવસ સુધી ઉપાડવામાં આવ્યો બાદમાં તે ડિમોલેશન કરાયેલ જગ્યામાંથી સંપૂર્ણ કાટમાળ ઉપાડીને તે જગ્યા સાફ કરવાનાં બદલે ત્યાં એમજ ઘણો બધો કાટમાળ રહેવા દેવામાં આવ્યો છે.

ડિમોલેશન કરાયેલ આ જગ્યાની બાજુમાં જ ચિરાગ શોપિંગ સેન્ટર આવેલ છે આ કાટમાળને હિસાબે ચિરાગ શોપિંગ સેન્ટરના દુકાન ઓફિસ ધારકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા દ્વારા તાકીદે બચેલો કાટમાળ ઉપાડી દૂર કરવામાં આવે અને તે જગ્યા સાફ કરવામાં આવે તે જરૂરી છે.