• પુત્રીએ ભાગીને રાજકોટ માં પ્રેમલગ્ન કરી લેતાં માતા નો ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૮, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રાજડા ગામમાં રહેતી એક મહિલાએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતાની પુત્રી એ ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં મનમાં લાગી આવ્યું હોવાથી આત્મહત્યાનું પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

 આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના રાજડા ગામ માં રહેતી કંચનબેન મહેન્દ્રભાઈ કંટારીયા નામની ૪૦ વર્ષની મહિલાએ ગઈકાલે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો. આ બનાવ અંગે મહેન્દ્રભાઈ બેચરભાઈ કટારિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે કંચનબેન ના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક કંચનબેન ની પુત્રી જે અવારનવાર રાજકોટમાં રહેતા વિલાસ દેવજીભાઈ નામના શખ્સ સાથે ભાગી જતી હતી, અને તાજેતરમાં તેની સાથે ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે સમગ્ર મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવી રહી છે.