રિસામણે બેઠેલી પત્નીને તેડવા જતાં સાથે આવવાનો ઇનકાર કરવાથી ભરેલું અંતિમ પગલું

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના ધ્રોલ માં રહેતા એક દેવીપૂજક યુવાને પોતાની પત્નીના વિયોગમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પત્ની રીસાઇને માવતરે ચાલી ગઈ હોવાથી માવતરે તેડવા જતાં પત્નીએ સાથે આવવાનો ઈનકાર કર્યો હોવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

 આ બનાવની વિગતો એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ માં ખારવા રોડ પર રહેતા સુનીલ ધીરુભાઈ સોરઠીયા નામના ૨૩ વર્ષના દેવીપૂજક યુવાને ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સૌ પ્રથમ ધ્રોલ ની સરકારી હોસ્પિટલમાં અને ત્યાર પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા ધીરુભાઈ નાનજીભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પિતા દ્વારા જાહેર કરાયા અનુસાર મૃતક સુનિલ કે જેની પત્ની જ્યોતિબેન રિસામણે બેઠી હતી, અને માવતરે ચાલી ગઇ હતી. જેને સુનિલ તેડવા માટે ગયો હતો. જ્યાં તેણીએ સાથે આવવાની ના પાડતાં માઠું લાગી આવ્યું હતું, અને પત્નીના વિયોગમાં ઝેરી દવા પી લઇ મૃત્યુનો રાહ અપનાવી લીધો છે. જે સમગ્ર મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.