મોડી રાત્રે તસ્કરોએ તાળા તોડી દાનપેટીમાંથી પરચુરણ રકમ ઉઠાવી જતા ભાવિકોમાં કચવાટ: પોલીસ કાફલો વહેલી સવારે મંદિરે પહોંચ્યો: તસ્કરોને પકડવા પોલીસ ની દોડધામ

 જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર માં ખોડીયાર કોલોની રોડ પર આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિરમાં ગઈ રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો, અને કોઈ તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી નાખી અંદર પ્રવેશી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી લઇ ગયા ની ઘટના સામે આવતા ભાવિકોમાં રોષ ફેલાયો છે. તસ્કરોએ માતાજીના આભૂષણોમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે. સીટી-સી ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને તસ્કરો ને શોધવા માટે કવાયત હાથ ધરી છે.

 ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગર માં ખોડીયાર કોલોની મેઇન રોડ પર આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિરમાં ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ મુખ્ય દરવાજા ના તાળા તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને માતાજીના આભૂષણોને તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી.

આ ઉપરાંત માતાજીના દ્વાર પાસે રખાયેલી એક દાન પેટી તેમજ મંદિર પરિસરમાં રાખવામાં આવેલી બીજી દાનપેટી, બંનેના લોક તોડી નાખ્યા હતા. અને અંદરથી ભક્ત દ્વારા મૂકવામાં આવેલી પરચુરણ સહિતની રકમની ચોરી કરી લઇ ગયા હતા. વહેલી સવારે ચોરીના બનાવ અંગેની જાણકારી મળતા સી ટી સી ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

 મંદિરમાં સીસીટીવી કેમેરો બંધ હોવાથી તસ્કરોને ઓળખ થઇ શકી નથી. પોલીસે ખોડીયાર કોલોની રોડ પરના અન્ય સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને શોધવા માટે કવાયત શરૂ કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ખોડીયાર મંદિર ની બાજુમાં જ આવેલી એક મોબાઇલની દુકાનમાં પણ થોડા દિવસ પહેલા ચોરી થઈ હતી, અને તસ્કરોએ દુકાનના તાળા તોડી અંદરથી પરચુરણ રકમની ચોરી કરી રહી ગયા હતા. જોકે એ બનાવની પોલીસ ફરિયાદ થઇ નથી. દરમિયાન ગઇરાત્રે ફરીથી ચોરીનો બનાવ બનતાં અને તસ્કરોએ મંદિરને નિશાન બનાવતાં ભાવિકોમાં રોષ ફેલાયો છે.