• વહેલી સવારે વિઝિબિલિટી ઝીરો થઈ જતાં સૂર્યનારાયણના દર્શન ખૂબ મોડા થયા
  •  ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોએ વાઇપર અને લાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડ્યા.
  • ઉષ્ણતામાનનો પારો ૩૨ ડિગ્રી સુધી ઉપર ચઢી જતા ઠંડી-ગરમીની મિશ્ર ઋતુનો અનુભવ

 જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૪, જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો હતો, અને ભેજનું પ્રમાણ ૯૮ ટકા થઇ જતાં ગાઢ ધુમ્મસ ની ચાદર છવાઇ ગઇ હતી. વિઝિબિલિટી ઝીરો થઈ જતાં વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી, અને ૧૦ ફૂટ દૂર સુધી જોવું પણ દુષ્કર બન્યું હતું. એટલું જ માત્ર નહીં સૂર્યનારાયણના દર્શન છેક પોણા દસ વાગ્યા આસ પાસ થયા હતા.
 જામનગર શહેર અને જિલ્લામાં ગઈ કાલ રાત્રિથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો, અને મોડી સાંજથી જ ભેજવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. જે રાત્રે ધીમે ધીમે ગાઢ બનતું ગયું, અને વહેલી સવાર સુધીમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા થઈ ગયું હોવાથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. દસ ફૂટ દૂર સુધી પણ કશું દેખાતું ન હોવાથી વાહન ચાલકોએ લાઈટ ચાલુ રાખીને તેમજ વાઇપર ચાલુ કરીને જ વાહન ચલાવવાનો વારો આવ્યો હતો, અનેક પોણા દસ વાગ્યા સુધી આવી પરિસ્થિતિ રહ્યા પછી આખરે સૂર્યનારાયણના દર્શન થયા હતા.
 જોકે ગઈ કાલે બપોર દરમિયાન ઉષ્ણતામાનનો પારો છેક ૩૨.૮ ડિગ્રી સુધી ચાલ્યો ગયો હોવાથી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો.જોકે ઠંડીમાં ઘણી રાહત જોવા મળી હતી. અને લઘુતમ તાપમાન ૧૭.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પવન ની તીવ્રતામાં પણ ઘટાડો નોંધાયો હતો.
 જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૭.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૫ કિ.મી.ની ઝડપે રહી હતી.