બે નિદ્રાધિન કર્મચારીઓની હાજરીમાં જ તસ્કરે કેબીન માં હાથ નાખી રોકડ રકમની ચોરી કરી રફુચક્કર થયો: સીસીટીવી કેમેરાના આધારે બાઈક ના નંબર મળી જતાં પોલીસની બાઈક ચાલકને શોધવા કવાયત

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર રણુજા પાસે આવેલા એક પેટ્રોલપંપમાં ગઈ રાત્રી દરમિયાન એક તસ્કર ત્રાટક્યો હતો, અને પેટ્રોલ પંપ ની કેબીન માં હાથ નાખી રૂપિયા ૩૦ હજારની રોકડ રકમની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પેટ્રોલ પંપ ના બે કર્મચારીઓ રાત્રિના ત્રણ વાગ્યે કેબિનમાં સુતા હતા, દરમિયાન તસ્કરે તકનો લાભ લઇ હાથફેરો કરી લીધો હતો. સીસીટીવી કેમેરામાં બાઈકના નંબરો મળી જતા અજ્ઞાત બાઇક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે વાહનોના રજિસ્ટ્રેશન ના નંબરના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.

 આ ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર રણુજા ગામ નજીક આવેલા સમર્પણ પેટ્રોલ પંપમાં ગઇ રાત્રિના સવા ત્રણેક વાગ્યાના અરસામાં એક અજ્ઞાત બાઇકચાલક તસ્કર ત્રાટક્યો હતો અને સૌપ્રથમ પેટ્રોલ ભરાવવા માટે કર્મચારી ની શોધ કરતાં કોઇ કર્મચારી દેખાતું ન હતું. ત્યાર પછી તેણે પેટ્રોલ પંપની નોઝલ ના આધારે પોતાના વાહન ની ટાંકી માં જાતે જ પેટ્રોલ નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મશીન બંધ હોવાથી તેમાં સફળ થયો ન હતો.

 ત્યાર પછી બાઇક પરથી ઉતરીને કેબીન ની બારીમાંથી ડોકિયું કરતા અંદર બે કર્મચારીઓ નિદ્રાધીન અવસ્થામાં હતા. દરમિયાન તેની નજર ટેબલ ના ખાના પર પડતાં ટેબલનું ખાનું ખુલ્લું હતું, અને તેની અંદર રૂપિયા ૩૦,૪૦૦ની પેટ્રોલ પંપ ના હિસાબની રોકડ રકમ પડી હતી. જે રકમ ઉઠાવી લઈ પોતાના બાઈક પર બેસીને ભાગી છૂટ્યો હતો.

 વહેલી સવારે પેટ્રોલ પંપ ના કર્મચારીઓ ઉઠયા હતા, અને હિસાબ મેળવવાનો પ્રયત્ન કરતાં રોકડ રકમ ગાયબ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. 

જેથી તેઓએ તુરત જ પેટ્રોલ પંપના મેનેજર ચેતન ભાઈ વેલજીભાઈ ચીખલીયા ને બોલાવી લીધા હતા. અને પેટ્રોલપંપના સી.સી.ટીવી કેમેરા જોવાનું શરૂ કર્યું હતું જેમાં જી. જે.-૧૦ સી. ડી. ૪૭૯૯ નંબરનો એક બાઇક ચાલક પેટ્રોલ પંપમાં આવ્યો હોવાનું અને પેટ્રોલ મેળવવાનો પ્રયાસ કર્યા પછી કેબિનમાંથી રોકડ રકમની ચોરી કરી ભાગી છુટયો હોવાનું જાણવા મળ્યું હતું.

 જેથી ચેતનભાઇ ચીખલીયાએ તુરતજ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને અજ્ઞાત બાઇક ચાલક સામે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે બાઈક ના રજીસ્ટ્રેશન નંબરના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.