• દુકાન પર ચડીને કલર કરતી વખતે ઉપરથી પસાર થઇ રહેલા વીજતાર માંથી વિજ કરંટ લાગ્યો

જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૯, જામનગર તાલુકાના દરેડ માં બંધાઈ રહેલી નવી દુકાનોમાં કલર કામ કરી રહેલા એક યુવાનને અકસ્માતે વીજતાર માંથી શોક લાગ્યો હતો, અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. પંચકોશી બી ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

 આ વીજ અકસ્માતના બનાવની વિગત એવી છે કે દરેડ વિસ્તારમાં ગોદડીયા વાસ માં રહેતો અને કલરકામ ની મજૂરી કરતો રવિ રમેશભાઈ ગોદડીયા નામનો ૨૯ વર્ષનો યુવાન ગઇકાલે દરેડ માં એસટી બસ સ્ટેન્ડ ની સામે નવી દુકાનો બંધાઈ રહી છે, જે દુકાનમાં ઉપર ચડી ને કલર કામ કરી રહ્યો હતો.

 જે દરમિયાન તેને ઉપરથી પસાર થઇ રહેલી વીજલાઇન માંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો. જેના કારણે તે નીચે પટકાઈ પડ્યો હતો, અને બેશુદ્ધ બન્યો હતો.

 જેને સારવાર માટે ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડવાનો પ્રયત્ન કરતાં તેનું માર્ગમાં જ મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકની પત્ની શોભનાબેન રવિભાઈ ગોદળીયા એ પોલીસને જાણ કરતા પંચકોશી એ ડીવીઝન પોલીસે તેના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.