• પિતાના બાઈક પર પાછળ બેસીને જઈ રહેલી પુત્રીનો દુપટ્ટો પાછલા વ્હીલ માં વીંટળાઈ જતાં કરણ મૃત્યુ


જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૯, જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર ધુતારપર ગામના પાટિયા પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પોતાના પિતાના બાઈકમાં પાછળ બેસીને જઈ રહેલી પુત્રીનો દુપટ્ટો પાછલા વ્હીલમાં વીંટળાઈ જતાં ખેંચાઈને નીચે પટકાઈ પડયા પછી કરૂણ મૃત્યુ નીપજ્યું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ગોંડલ તાલુકાના આંબરડી ગામના વતની અશોકભાઇ મનજીભાઈ ઘલવાણી (ઉ.વ.૪૦) ગઈકાલે પોતાની પુત્રી કાજલ (ઉ.વ.૧૮) ને પોતાના મોટરસાયકલ પર પાછળ બેસાડીને રાત્રિના સવા આઠ વાગ્યાના અરસામાં ધુતારપાર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહયા હતા.

 જે દરમિયાન અકસ્માતે પાછળ બેઠેલી પુત્રી કાજલનો દુપટ્ટો પાછળના વ્હીલમાં વીંટળાઈ ગયો હતો. જેના કારણે તેણીને ગળેટૂંપો આવી ગયો હતો, અને મોટર સાયકલ માંથી નીચે પટકાઈ પડી હતી. જેમાં તેણીને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

 પિતાની નજર સામે જ પુત્રીના મૃત્યુના બનાવથી ભારે કરુણાંતિકા સર્જાઇ હતી.આ અકસ્માતમા બનાવવાની પોલીસને જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.