જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૫, ગુજરાત રાજ્યમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા માટે જામનગર આવેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ દ્વારા જામનગર શહેરના વિકાસ માટેની અનેક જાહેરાતો કરવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રીશ્રી દ્વારા જામનગર શહેરને ૧૯૭ કરોડના ખર્ચે ગુજરાતના સૌથી મોટા ફ્લાયઓવર ની સાથે સાથે જામનગરને મેટ્રો પ્રોજેક્ટ ની સોગાદ પણ અપાઇ છે, અને નજીકના ભવિષ્યમાં જ તેના પર કામ શરૂ થઈ જશે.

 જામનગર શહેરનો ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના સૌથી મોટા એવા ૧૯૭ કરોડના ફ્લાય ઓવરબ્રિજ મંજૂરી અપાયા પછી તેનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. એટલું જ માત્ર નહીં ગુજરાત રાજ્યના છ મહાનગરોમાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવાની પણ જામનગરનાં ચૂંટણી સભાના મંચ ઉપરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે. જે જામનગર વાસીઓ માટે સૌથી મોટી સોગાદ છે. આવનારા દિવસોમાં જામનગર શહેરની વિસ્તારને ધ્યાનમાં રાખીને ફ્લાય ઓવર બ્રિજની સાથે મેટ્રો પ્રોજેક્ટ કાર્યરત બની જશે. જેથી જામનગર નો ટ્રાફિક હળવો બનશે, અથવા તો ડાયવર્ટ કરી શકાશે. જે નગરના વિકાસ માટે એક સૌથી મોટી સોગાદ સાબિત થશે.