• જામનગર માં કોંગ્રેસ પાર્ટીના સૌથી વધુ ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ નો રચાશે ઇતિહાસ- પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ
  • ગુજરાત રાજ્યને વિજયભાઈ રૂપાણી અને સી.આર.પાટીલ ની એક આદર્શ જોડી મળી છે- કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ
  •  જામસાહેબની નગરીમાં જામનગરમાં આપ સૌનું સ્વાગત છે- મંત્રી હકુભા
  •  કેન્દ્રમાં જામનગરનો અવાજ બુલંદ કર્યો છે જેનું પરિણામ જામનગરની પ્રજા સમક્ષ છે- સાંસદ પૂનમબેન


 જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૫, જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપના ગતિશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ હાલમાં જ પ્રદેશ અધ્યક્ષ ની જવાબદારી સંભાળી છે, તેવા ડાયનેમિક સ્પષ્ટ વક્તા એવા શ્રી સી.આર.પાટીલની જામનગરના ઈતિહાસમાં એક સાથે બબ્બે જંગી જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં જામનગરના સર્વાંગી વિકાસની વાત કરતાં બંને રાજનેતાઓએ જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરતી ભાજપા સરકાર જામનગર શહેરના વિકાસમાં કોઇ કચાશ રાખવા નહીં દે, રાજ્યમાં અને દિલ્હીમાં ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી બેઠા છે, ત્યારે આપણા માટે 'માં મોસાળે' જેવો ઘાટ થયો છે. જામનગર વાસીઓને આશ્વાસન આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકાસ માટે પૈસાની ચિંતા કરતા નહીં, અમે બેઠા છીએ. છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડીને જ રહીશું. તેમ જણાવી ગુજરાતનો સૌથી મોટો ૧૯૭ કરોડ નો ફ્લાયઓવર, ૧૦૦ કરોડની દૈનિક પાણીની યોજના, અને છ મહાનગર ની સાથે જામનગરને મેટ્રો રેલની સોગાદ પણ આપી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ પ્રેરક ઉદબોધન કરી કાર્યકર્તાઓમાં પ્રાણ પૂર્યા હતા.
 જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા શનિવારે જામનગર ના ધન્વંતરિ મંદિરના ગ્રાઉન્ડમાં તેમજ ચાંદી બજાર ના ચોકમાં વિશાળ જાહેર સભાને સંબોધવામાં આવી હતી. જે સભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જામનગર મહાનગર નો વિકાસ ચારે દિશાથી થશે. કારણ કે રાજય માં અને દિલ્હીમાં ભાજપની સરકાર છે, અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી કેન્દ્રમાં છે ત્યારે "માં મોસાળે અને મોસાળે જમણવાર" જેવો ઘાટ થયો છે.
 દિલ્હીમાં કોંગ્રેસ રચિત યુ.પી.એ. શાસન કાળમાં ગુજરાતને ઘણો અન્યાય થયો હતો. પ્રજાએ પીવાના પાણીના વલખાં મારવા પડતા હતા, છતાં કોંગ્રેસ સરકાર નર્મદા બંધને મંજૂરી આપતી ન હતી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર આવતાં જ માત્ર ૧૭ દિવસમાં સરદાર સરોવર બંધ ને મંજૂરી ની મહોર લગાવી દીધી. ગુજરાતની પ્રજાને પાણી ની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવી દીધી છે. ભાજપ સરકારને અને તેના નેતૃત્વને ગુજરાત રાજ્ય પ્રતિષ્ઠિત રાજ્ય બને તેની સતત ચિંતા છે. ભાજપા છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ અને વિકાસની વચ્ચે લાંબુ અંતર છે.
 કોંગ્રેસ ભ્રષ્ટાચાર, વર્ગવિગ્રહ, જાતિવાદ, મતના તૃષ્ટિકરણ માં ગળા ડૂબ રહે છે. કોંગ્રેસને સત્તા ના અવસર મળ્યા છે, પણ તેમણે બધા અવસરને આપત્તિમાં ફેરવી નાખ્યા છે. અને તેમના શાસનમાં પ્રજાજનો દુખી થયા છે.
 ભાજપાએ આવખતે નીતિ બદલાવી ને ત્રણ ટર્મ કોર્પોરેશનની ચૂંટણી લડેલા ને બદલે નવા યુવાનોને ચૂંટણી લડવાની તક આપી છે. આમ છતાં જૂના કોર્પોરેટરોએ આ પાર્ટીની નીતિ ને વધાવી લઇ ચૂંટણી કાર્યમાં લાગી ગયા છે. ભાજપ એ કેડરબેઝ પાર્ટી છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
 કોંગ્રેસ પાર્ટી હવે ડૂબતી નાવ છે. તેનું અસ્તિત્વ ખતમ થઈ જવાની અણી પર છે. આ વખતે ની ચૂંટણીમાં તેઓ ની કબર પર નો છેલ્લો ખિલ્લો મારી દેજો, બસ હવે તો "કોંગ્રેસ મુક્ત ગુજરાત ભયમુક્ત ગુજરાત".
 જામનગરની દરેક સમસ્યાઓ થી પરિચિત છું, અને જામનગરના વિકાસ આડે આવતા અવરોધો ને દૂર કરી જામનગરના સર્વાંગી વિકાસ વાત કરતાં મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે જામનગરને સૌથી મોટો ૧૯૭ કરોડનો ઓવરબ્રિજ રાજ્ય સરકાર દ્વારા અપાયો છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી મોટી ગ્રાન્ટ છે. આ ઉપરાંત જામનગર ને અન્ય ૬ મહાનગરોની સાથે મેટ્રો રેલની સુવિધાની પણ મહત્વની જાહેરાત કરી હતી. સાથોસાથ જામનગર શહેરની જનતા ની વર્ષો જૂની માગણી દૈનિક પાણીની સમસ્યા પણ દૂર કરી ૨૦૨૨ પહેલા લોકોને પ્રતિદિન નળ વાટે શુદ્ધ પાણી મળી રહે તેવી જાહેરાત કરી હતી, અને જેના માટે ૧૦૦ કરોડની ગ્રાંટ ફાળવી દીધા નું સભા ના મંચ પરથી જણાવ્યું હતું.
ચાંદી બજાર ના ચોક ની વિશેષતા જણાવતાં કહ્યું હતું કે ચાંદી બજાર સાથે મારે વર્ષો જૂનો નાતો છે. જ્યારે રાજકોટ રહેતો ત્યારે જનસંઘના સમયમાં ચાંદી બજારમાં સભા સંબોધવા આવતો, અને ચાંદી બજાર ની સભા જનસંધ- ભાજપ માટે ગૌરવની વાત છે.
 તાજેતરમાં જ પ્રદેશ ભાજપના અધ્યક્ષ ની જવાબદારી સંભાળનાર ડાયનેમિક અને સ્પષ્ટ વક્તા કે જેઓ નવસારી ની સીટ પરથી સમગ્ર રાષ્ટ્રમાં પ્રચંડ લીડથી ચૂંટણી જીતનારા સી.આર.પાટીલ કે જેમના નેતૃત્વમાં હમણાં યોજાયેલી આઠ પેટા ચૂંટણીમાં ભાજપને ૧૦૦ ટકા વિજય પ્રાપ્ત થયો છે. તેઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ૭૦ વર્ષથી કાશ્મીર ની જૂની સમસ્યા ભાજપ શાસનમાં આવતા જ ઉકેલી નાંખી છે.
 કોંગ્રેસે બંધારણમાં કાશ્મીરને દેશના અન્ય રાજ્ય થી અલગ કરતી ૩૭૦ની કલમ ઉમેરી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ અને ગૃહમંત્રી અમિત ભાઈ શાહ એ તે દૂર કરી કાશ્મીર ને દેશના અન્ય રાજયો સાથે ભેળવી દઇ સરદાર પટેલનું અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. 
કોંગ્રેસ આ સમયે એવા ગપગોળા ફેલાવતું હતું કે કલમ ૩૭૦ દૂર કરશો તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, પરંતુ કલમ દૂર થઈ અને એક ગોળી પણ ના ફૂટી. સમગ્ર દેશે આ વાતને વધાવી લીધી છે.
 ગુજરાતનાં વિકાસની ચરમસીમા રુપ દેશની સર્વપ્રથમ બુલેટ ટ્રેન પણ ગુજરાતથી જ દોડશે.
જામનગરના એરપોર્ટ પર ભાજપના સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેઓનું અદકેરૂ સ્વાગત કરાયું હતું, ત્યારે તેમણે સર્વેનો આભાર માનતા જણાવ્યું હતું કે એરપોર્ટ પર ઉતરતાં જ રાજ્યમંત્રી હકુભા એ જણાવ્યું હતું કે જામનગર માં આ વખતે એક નવો ઇતિહાસ રચાશે, અને કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થઇ જશે. ભાજપના સર્વે કાર્યકરોને તે માટે અભિનંદન આપ્યા હતા, અને ભાજપના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓને અપીલ કરતા કહ્યું હતું કે એટલા જોમ અને જુસ્સાથી ચૂંટણી લડો કે કોંગ્રેસના કાંગરા ખરી જાય. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યને શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ સી. આર. પાટીલ ની એક આદર્શ જોડી મળી છે. ભાજપાએ હંમેશા આદર્શ નેતૃત્વ આપ્યું છે. પ્રજાની પ્રાથમિક જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને જ હંમેશા આયોજન કર્યા છે. કોંગ્રેસના શાસન કાળમાં કારમી પાણી સમસ્યાનો ઉકેલ ભાજપના શાસનમાં હલ થઈ ગયો છે. આજે પ્રત્યેક ગુજરાતીને પીવાનું સ્વચ્છ પાણી નિયમિત મળતું રહે છે.
 ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ પોતાના વક્તવ્યના પ્રારંભ સાથે જ જામસાહેબ ની નગરી માં આપ સૌનું સ્વાગત છે. તેમ કહી મુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ ને આવકાર્યા હતા. તેમજ વિકાસની દિશામાં રાજ્ય સરકાર માગો તે જામનગર શહેરને વિકાસ માટે આપવા તત્પર રહે છે, તેની વાત કરી હતી.
 કોરોના કાળમાં રાજ્ય સરકારની કોઠાસૂઝ તેમજ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જામનગર તેનું સૌથી મોટું ઉદાહરણ છે. અને કોરોના કાળમાં આશીર્વાદરૂપ બનેલી હોસ્પિટલ થી જામનગર શહેર અને જિલ્લાની જનતા વાકેફ છે. ૧૯૭ કરોડના ફલાયઓવરની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી, ત્યારે રાજ્યનો સૌથી મોટો ફ્લાયઓવર જામનગરને મળ્યો છે, અને તેની કામગીરી પણ વેગવંતી છે.
 જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તેમણે પોતાના શાસનકાળ દરમિયાન જામનગરના વિકાસ માટે નો અવાજ કેન્દ્રમાં બુલંદ કર્યો છે, અને કેન્દ્ર સરકારે પણ જામનગરની માંગણી પ્રત્યે ખૂબ જ ધ્યાન આપ્યું છે. ત્યારે જામનગર- મુંબઈ માટે ની બે હમસફર ટ્રેન તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. ઉપરાંત જામનગર નજીક એઇમ્સ હોસ્પિટલ વગેરે પણ કેન્દ્ર સરકારની ભેટ મળી છે.
 આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા તેમજ પુર્વ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદી, શ્રી પરમાણંદભાઈ ખટર, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ તથા પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખ ભાઈ હિંડોચા, ઉપરાંત ધીરુભાઈ કનખરા, હિતેન ભાઈ ભટ્ટ,મુકેશભાઈ દાસાણી, પૂર્વ મેયર રાજુભાઇ શેઠ,દિનેશ પટેલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા, અને તમામ ૬૪ ઉમેદવારો ને અભિનંદન પાઠવી શહેર ભાજપના કાર્યકરોને ઉત્સાહભેર ચૂંટણી કાર્યમાં જોડાઇ જવા અપીલ કરી હતી.