• તમામ ૫૩૨ હોમગાર્ડ જવાનોને એમપી શાહ ના મતદાન મથકે ફરી મતદાન કરવા આદેશ

જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૮, જામનગરની હોમગાર્ડની કચેરીમાં ચૂંટણી ફરજ ના જવાના મતદાનમાં ગોટાળો થયાના આક્ષેપ પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ બેલેટ પેપર કબજે કરી લેવામાં આવ્યા છે, અને તે મતદાનની પ્રક્રિયા રદ કરી દઇ શુક્રવારે સવારે ફરીથી મતદાનની પ્રક્રિયા એમપી શાહ કોમર્સ કોલેજ ના મતદાનમથક પર જ તમામ હોમગાર્ડના જવાનોને મતદાન કરવા આદેશ કરાયો છે.

 જામનગર લાલ બંગલા માં આવેલી હોમગાર્ડની કચેરીમાં પોસ્ટલ બેલેટ નું વિતરણ કરીને ત્યાં જ મતદાન કરાવવાની પ્રક્રિયા હાથ ધરવાના મામલે કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, સહિતના વિપક્ષોએ વિરોધ કર્યો હતો, અને ભાજપની તરફેણમાં મતદાન કરાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

 જે મામલે વહીવટી તંત્ર સક્રિય બન્યા પછી જિલ્લા કલેકટર દ્વારા ૪૦૦થી વધુ પોસ્ટલ બેલેટ પેપર કબજે કરી લઈ તેને સીલ કરીને ટ્રેઝરીમાં મૂકી દીધા છે. ત્યારે જામનગર શહેરમાં જુદાજુદા મતદાન મથકો પર ચૂંટણી ફરજ માટે હાજર રહેનારા ૫૩૨ હોમગાર્ડના જવાનોનું ફેરમતદાન શુક્રવાર તારીખ ૧૯ ના સવારે ૧૦ વાગ્યાથી ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન એમ પી શાહ કોમર્સ કોલેજમાં ઉભા કરાયેલા મતદાન મથકમાં રાખવામાં આવ્યું છે. તમામ હોમગાર્ડ ના જવાનોએ બેલેટ પેપર સ્વીકારીને ત્યાં જ તેનું મતદાન કરવા આદેશ કરાયો છે. જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી મતદાન મથક અને બેલેટ પેપરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.