યુવાન ને પોલીસ મથકમાં માર માર્યા અંગેની અદાલતમાં રજૂઆત પછી અદાલતે ગુજસીટોક ના એક આરોપી સહિત તમામ ૧૨ પોલીસ કર્મચારી સામે ગુનો નોંધ્યો

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લાના કાલાવડ ના એક યુવાનને પોલીસ મથકમાં લઈ જઈ માર મારી ઇલેક્ટ્રિક શૉક આપવા અંગે તેમજ તેના પરિવારને પણ માર મારી પચાસ હજાર રૂપિયાની માગણી કરવા અંગેના ચકચારી પ્રકરણમાં જામનગરની અદાલતે પુરાવાઓ એકત્ર કર્યા પછી એક પીઆઈ અને બે પીએસઆઇ સહિત ૧૨ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધતાં પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. જેમાં એક નિવૃત્ત પોલીસ કર્મચારી ગુજસીટોક ના આરોપી પણ સામેલ છે.

 કાલાવડ પંથકમાં ભારે ચકચાર જગાવનાર આ બનાવની વિગત એવી છે કે કાલાવડ માં રહેતા અને 'લો'નો અભ્યાસ કરતા અફઝલ તૈયબભાઈ દોઢીયા નામના એક વ્યક્તિને ગત ૧૨.૯.૨૦૧૫ ના દિવસે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન તેણે જુદા જુદા બાર પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાને ૧૦.૯.૨૦૧૫ ના રોજ કાલાવડ પોલીસ સ્ટેશનના પી.આઈ. વીંછી, પીએસઆઈ બાંટવા, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ વગેરે દોઢ વાગ્યે તેના ઘરેથી જગાડી પત્ની તથા માતા-પિતાની હાજરીમાં ગાળો કાઢી મારફૂટ કરી હતી, અને ૫૦ હજાર રૂપિયાની માગણી કરી હતી.

 આ ઉપરાંત પોતાને અને પોતાના પરિવારને માર મારી સૌપ્રથમ કાલાવડ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, અને ત્યાંથી રાત્રિના કાલાવડના માટલી ગામે લઇ જઇ જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસના પીએસઆઇ ચૌધરી, અને સ્ટાફને સોંપી આપ્યો હતો.

 ત્યાંથી પંચકોશી એ ડિવિઝન માં લાવી અને પોલીસ સ્ટેશનમાં પચાસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે રૂપિયા આપવાની ના પાડતા પીએસઆઇ ચૌધરી ની ચેમ્બરમાં અફઝલના બંને હાથ પાછળ હાથકડી થી બાંધી ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવ્યા હતા. અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રાઇવેટ ભાગમાં પણ ઈલેક્ટ્રીક શૉક આપ્યા હતા.

 તે અંગેની મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ પરથી જામનગર ની અદાલત દ્વારા ફરિયાદી નો હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો. ફરિયાદીની ફરિયાદ પરથી કોર્ટ ઇન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

 જે ઇન્કવાયરી ના કામે ફરિયાદી અફઝલભાઈ તેના પિતા તૈયબભાઈ, પત્ની શકીનાબેન, માતા રહેમતબેન તેમજ જીજી હોસ્પિટલનાં તબીબ વગેરેના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે નિવેદનો પછી અને ફરિયાદીની ફરિયાદ માં કાલાવડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બાટવા, પોલીસ કોસ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ, પોલીસ કર્મચારી અશોકભાઈ, કાલાવડ પોલીસ સ્ટેશનના પીઆઇ વીંછી, પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઇ, પંચકોશી એ ડિવિઝનના પોલીસ કર્મચારી દિગુભા, ડ્રાઇવર જાનીભાઈ, પીએસઆઇ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ, રાઇટર ભીખાભાઈ તથા હાલ ગુજસીટોક ના ગુનામાં સંડોવાયેલા નિવૃત પોલીસ કર્મચારી વશરામ ભાઈ આહીર વગેરે સામે આઇપીસી કલમ ૩૨૩,૩૩૦,૩૮૪,૫૦૪, અને ૧૧૪ મુજબના ગુના સબબ નો કેસ નોંધવાનો હુકમ એડિશનલ ચીફ સેક્રેટરી પી.કે.જ્ઞાનચંદાની દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં ફરિયાદી તરફે વકીલ નિખીલ બુઘભટ્ટી રોકાયા છે.