જામનગર પોલીસની ટીમે સ્થાનિક પોલીસ તંત્રની મદદ વગર કોલકતા માં ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું


જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના સિનિયર ધારાશાસ્ત્રી કિરીટ જોશીની આજથી ત્રણ વર્ષ પહેલા હત્યા નીપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના સાગરીત એવા ત્રણ શખ્સોને જામનગર એલસીબી તેમજ પેરોલ ફર્લો સક્વૉર્ડ ની ટીમે કલકત્તામાં થી પકડી પાડયા છે, અને જામનગર લાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. એકાદ સપ્તાહ ને દોડધામ પછી સ્થાનિક પોલીસ તંત્રની મદદ લીધા વિના જામનગર પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરીને ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા, અને જામનગર લઈ આવવા રવાના થયા છે. જેઓ જામનગર આવ્યા પછી કેટલાક વધુ ચોંકાવનારા ખુલાસાઓ થશે.

 જામનગરના એડવોકેટ કિરીટ જોશી ની ગત ૨૪.૪.૧૮ ના મોડી સાંજે ટાઉનહોલ જેવા ભરચક વિસ્તારમાં સરાજાહેર નિર્મમ હત્યા નીપજાવાઇ હતી. જે હત્યા પ્રકરણમાં એડવોકેટ કિરીટ જોશી ના ભાઈ અશોકભાઈ જોશી ની ફરિયાદના આધારે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ભૂ-માફિયા જયેશ પટેલ અને તેના સાગરિતો સામે પૂર્વયોજિત કાવતરું ઘડી હત્યા નીપજાવવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

 જે ગુનાના અનુસંધાને જામનગર પોલીસ તેમજ અમદાવાદની ક્રાઈમ બ્રાંચની ટીમ વગેરે દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અગાઉ કુલ છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા, અને તમામને જેલ હવાલે કરાયા છે.

 જયારે આ પ્રકરણમાં ભૂ- માફિયા જયેશ પટેલ ઉપરાંત તેના ત્રણ સાગરિતો અમદાવાદના દીલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર અને જયંત ગઢવી ફરાર હતા. અને મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ વિદેશ ભાગી ગયો હોવાની હકીકત પ્રાપ્ત થઈ હતી. જ્યારે અન્ય ત્રણ સાગરિતો છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા રહ્યા હતા.

 જે ત્રણ આરોપીઓની કેટલીક બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તેમજ પેરોલ ફર્લો ટીમને મળી હતી. જેથી ત્રણેય આરોપીઓને પકડવા માટે છેલ્લા એકાદ સપ્તાહથી દોડધામ શરૂ કરી દેવાઈ હતી. જેના ભાગરૂપે એલસીબીના પીએસઆઇ આર.બી. ગોજીયા તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઇ એ.એસ. ગરચર સહિતની ટીમે કોલકત્તામાં ધામા નાખ્યા હતા. જ્યાં મુસ્લિમ વિસ્તાર ત્રણેય આરોપીઓ દિલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર, અને જયંત ગઢવી સંતાયા હોવાની બાતમી એકત્ર કરીને ઓપરેશન રેન્ડ હેન્ડ હેઠળ મુસ્લિમ વેશ ધારણ કરીને  ત્રણેય ને દબોચી લેવામાં આવ્યા હતા.

 જે આરોપીઓને લઈને પોલીસ ટુકડી કલકત્તા થી જામનગર જવા માટે રવાના થઈ ગઈ છે. તેઓ જામનગર આવ્યા પછી પોલીસને કેટલાક વધુ માહીતી મળશે તેમ મનાઈ રહ્યું છે.

જામનગર નો કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અગાઉ જમીનના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં હતો, જે દરમિયાન ઉપરોક્ત ત્રણેય આરોપીઓ પણ અન્ય કેસ માં જેલમાં હતા અને ચારેય ની જેલમાં મુલાકાત થયા પછી એડવોકેટ કિરીટ જોશી ની હત્યા કરવા માટેનું કાવત્રુ ઘડાયું હતું. જેને ત્રણેય આરોપીઓએ અંજામ આપીને ભાગી છૂટયા હતા. પરંતુ આખરે ત્રણ વર્ષ પછી જામનગર પોલીસના હાથે ઝડપાયા છે.

 એલસીબી અને પેરોલ ફર્લો સક્વૉર્ડ ની ટીમ માં કાસમભાઈ બલોચ, ધમભા જાડેજા, ગજુભા, ઉપરાંત ધર્મેન્દ્ર વૈષ્ણવ વગેરે પણ જોડાયા હતા, અને કલકત્તા માંથી જ મુસ્લિમ પહેરવેશ ખરીદ કરી ને વેશ ધારણ કરી લીધો હતો.