• પતિ ચારિત્ર્ય અંગે શંકા કુશંકા કરતો હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ ફરિયાદ


જામનગર મોર્નિંગ - જામનગર તા ૮, જામનગરમાં નજીક જાંબુડા ગામમાં રહેતી એક પરિણીત યુવતીએ પોતાના પતિના ત્રાસના કારણે વધુ પડતી ઊંઘની ગોળીઓ (ટિકડા) ખાઇ લેતાં તેણીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં તેણીનો પતિ ચારિત્ર્ય અંગે શંકા કુશંકા કરી પરેશાન કરતો હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવતાં પોલીસે પતિ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક જાંબુડા ગામમાં વૈષ્ણવ ફળીમાં રહેતી પ્રિયાબેન કિશનભાઇ કાપડી નામની ૨૮ વર્ષની પરિણીત યુવતીએ પરમદીને પોતાના ઘેર વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઈ લેતાં વિપરીત અસર થવાથી તેણીને સૌપ્રથમ જાંબુડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ત્યાર પછી તેને વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસને જાણ થતા પંચકોશી એ ડિવિઝન નો પોલીસ કાફલો જીજી હોસ્પિટલે દોડી ગયો હતો, અને પ્રિયાબેન નું નિવેદન નોંધ્યું હતું. જે નિવેદનમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે પોતાનો પતિ કિશનભાઇ મનસુખલાલ કાપડી કેજે ચારિત્ર્ય અંગે શંકા કુશંકા કરી દુઃખ ત્રાસ આપતો હોવાથી અને પરેશાન કરતો હોવાથી તેનાથી કંટાળી જઇ વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઈ લીધાનું જણાવ્યું હતું.
 આથી પોલીસે પ્રિયાબેન ની ફરિયાદના આધારે તેણીના પતિ કિશન મનસુખલાલ કાપડી સામે સ્ત્રી અત્યાચાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.