- જીવંત વીજ વાયર પડવાના કારણે ત્રણ ભેંસો દાઝી ગયા પછી એકનું મૃત્યુ: બે ગંભીર
- વાડીમાં રાખેલો કડબનો જથ્થો પણ સળગી જતાં ભારે દોડધામ: ફાયરે આગ બુજાવી
જામનગર મોર્નિંગ - જામનગર ૭, જામનગર તાલુકાના ખિમલીયા ગામમાં આજે બપોરે એક જીવંત વીજ વાયર તૂટી ને ભેંસો ઉપર પડતાં દુર્ઘટના બની હતી. જ્યાં બાંધેલી ત્રણેય ભેંસોને વીજઆંચકો લાગ્યો હતો. જેમાં એક ભેંશ નું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય બેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. સાથોસાથ વાડીમાં રાખેલો કડબનો જથ્થો પણ સળગી ઉઠયો હતો. તેથી નાશભાગ થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આગને બુજાવી હતી.
આ અરેરાટી જગાવનારા બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખીમલીયા ગામમા વાડી વિસ્તારમાં રહેતા અને ઢોરઢાંખર સાચવતા કિશોરભાઈ નકુમની વાડી ઉપરથી પસાર થઇ રહેલો ઇલેવન કેવીના એક જીવંત વીજ વાયર બપોરે ૧૨ વાગ્યાના અરસામાં એકાએક પવનના કારણે તૂટીને નીચે પડ્યો હતો. જે જીવંત વીજ વાયર નીચે બાંધેલી ત્રણ ભેંસો ઉપર પડતાં એક ભેંસનું દાઝી જવાથી સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ભેંસો પણ ગંભીર સ્વરૂપે દાઝી ગઇ હોવાથી પશુ ચિકિત્સકો વગેરે દોડી આવી સારવાર ની પ્રક્રિયા શરૂ કરી હતી.
આ બનાવ સમયે જીવંત વીજ વાયર વાડીમાં રાખેલી કડબના જથ્થા પર પડતા આશરે ૭ ટ્રેક્ટર જેટલો કડબ નો જથ્થો અને એક ટ્રક જેટલો મગફળીના ભુક્કા નો જથ્થો સળગી ઉઠયો હતો. જેના કારણે ભારે દોડધામ મચી ગઇ હતી.
આ ઘટના સમયે વાડી માલિક કિશોરભાઈ નકુમ જામનગર આવ્યા હોવાથી પાડોશીઓએ તેમને ટેલિફોનથી જાણ કરી હતી, અને ફાયરબ્રિગેડની મદદ લઈને આગને બુઝાવવા માટે પ્રયત્ન કરાયો હતો. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના એક ટેન્કર વડ઼ે આગને કાબુમાં લીધી હતી. જ્યારે પીજીવીસીએલની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી વીજ લાઈન મરામત સહિતની કામગીરી હાથ ધરી હતી.
વીજ અકસ્માતમાં બનાવને લઇને વાડી મા રાખેલા કડબ ના જથ્થાને મોટું નુકસાન થયું છે. જ્યારે એક ભેંસ પણ મૃત્યુ પામી છે, જ્યારે બે ને હાલત ગંભીર છે.
સમગ્ર મામલે પોલીસને જાણ થતા પંચકોશી એ ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પીજીવીસીએલના તંત્ર દ્વારા પણ આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.
0 Comments
Post a Comment