• કુખ્યાત ભૂમાફિયા પાસેથી ૩ કરોડની ખંડણી પૈકી ૨૦ લાખ રૂપિયા મેળવી લીધા ની કબૂલાત
  •  હત્યાની ઘટના પછી નેપાળ- ભૂતાન સહિતના અનેક દેશોમાં ભટકી ને તાજેતરમાં ભારત આવતાં જામનગર પોલીસ ના હાથે પકડાયા

 જામનગર તા ૧૮, જામનગરના એડવોકેટ કિરીટભાઈ જોશીની હત્યાના ચકચારી પ્રકરણમાં કલકત્તા માંથી પકડાયેલા ત્રણ ભાડૂતી હત્યારાઓ ને જામનગરની પોલીસ ટુકડીએ જામનગર લઈ આવ્યા પછી કોવિડ ટેસ્ટની કાર્યવાહી માટે જી જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓ ના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન ત્રણેય હત્યારાઓએ ભૂમાફિયા જયેશ પટેલ પાસેથી એડવોકેટની હત્યા નીપજાવવા માટેની ત્રણ કરોડની સોપારી લીધી હતી, જે પૈકી ૨૦ લાખ રૂપિયા મેળવી લીધાનું કબૂલ્યું છે. ઉપરાંત હત્યાની ઘટનાને અંજામ આપ્યા પછી ભારતની બોર્ડર પાર કરીને નેપાળ- ભૂતાન સહિતના અલગ અલગ દેશોમાં ભાગી છુટ્યાનું મુકાબલા કબૂલ કર્યું હતું. તાજેતરમાં જ વિદેશથી ભારતમાં આવતાની સાથે જ કલકત્તામાં પોલીસને હાથે પકડાયા છે. જેની પાસેથી પોલીસ દ્વારા અનેક ચોંકાવનારી વિગતો મેળવવામાં આવી રહી છે.
 જામનગર એડવોકેટ કિરીટ જોશીની હત્યા નીપજાવવા અંગે ના પ્રકરણમાં જામનગર પોલીસની ટુકડીએ તપાસનો દોર કલકત્તા સુધી લંબાવ્યા પછી ત્રણ ભાડૂતી હત્યારા દિલીપ નટવરભાઈ પુજારા ઠક્કર (અમદાવાદ) હાર્દિક નટવરલાલ પુજારા ઠક્કર (અમદાવાદ) અને જયંત અમૃતભાઈ ચારણ (અમદાવાદ) ને પકડી પાડયા હતા, અને જામનગર લઈ આવ્યા પછી કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેઓ ના સેમ્પલો લેવાયા પછી તેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

 પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓએ સાબરમતી જેલમાં જયેશ પટેલ ના સંપર્કમાં આવ્યા પછી રૂપિયા ૩ કરોડમાં હત્યા નીપજાવવા માટેની સોપારી લીધી હતી, એને તે પૈકી જયેશ પટેલે ૨૦ લાખ રૂપિયા આપી દીધા હોવાનું કબૂલ્યું છે.
 જામનગર શહેરમાં અનેક વખત રેકી કર્યા પછી હત્યા ની ઘટનાને અંજામ આપી જામનગર થી રાજકોટ તરફ અને ત્યાંથી અન્ય રાજ્યની બોર્ડર ક્રોસ કરીને નેપાળ ભાગી છૂટયા ની તેમજ નેપાળથી ભારતમાં દાર્જિલિંગ આવ્યા પછી ત્યાંથી ભૂતાન અને અન્ય જુદા જુદા રાજ્યોમાં ભટકીને ફરીથી મુંબઈ આવ્યા હતા, અને ડુપ્લિકેટ પાસપોર્ટ તૈયાર કરી ત્યાંથી થાઈલેન્ડ અને સેનેગલ મા લોકડાઉન દરમિયાન રોકાયા નું જણાવ્યું હતું. ત્યાંથી તાજેતરમાં જ કોલકત્તા પરત આવતાં એલસીબીની ટીમે ત્રણેયને પકડી પાડયા હતા. તેઓ વોટ્સએપ કોલિંગ મારફતે જયેશ પટેલ સાથે સંપર્કમાં રહેતા હતા, અને દર મહિને જયેશ પટેલ દ્વારા ત્રણ થી પાંચ લાખ રૂપિયા આપીને અલગ અલગ જગ્યાએ છુપાવીને આશરો આપવા માટેની આર્થિક મદદ કરવામાં આવતી હોવાનું પણ કબૂલ્યું હતું. તે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.