• જુદા જુદા ખેડૂતો ની રકમ બેંકમાં જમા કરાવ્યા વિના ચૂકતે બતાવી ઉચાપત કર્યા અંગેની પોલીસ ફરિયાદ થી ચકચાર
  • ૨૦૧૪થી ૨૦૨૦ ના સમયગાળા દરમિયાન અસંખ્ય ખેડૂતોની રકમ રોકડ સ્વરૂપે મેળવી, બેંકમાં જમા ગણી અંગત ઉપયોગમાં વાપરી નાખી

જામનગર મોર્નિંગ - જામનગર તા.૭, જામનગરમાં તળાવ ની પાળે જુની આરટીઓ કચેરી પાસે આવેલી ખેતી બેંક ના પૂર્વ મેનેજર તથા કારકુને મસમોટું કારસ્તાન કર્યું હતું, અને બેંકના ખેડૂતોને ધિરાણની બે કરોડ ચાર લાખ જેટલી રકમ બેંકમાં જમા નહીં કરાવી બારોબાર ચાંઉ કરી જઇ ઉચાપત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં તળાવની પાળે જુની આરટીઓ કચેરીમાં આવેલી ખેતી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિરમજી પ્રતાપજી ઠાકોર એ જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બેંકના જ પૂર્વ બેંક મેનેજર રાજકોટ ના વતની સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા તેમજ હાલમાં નિવૃત્ત થઈ ગયેલા અને અગાઉ કારકુન તરીકે ફરજ બજાવતા અને ધ્રોલ માં રહેતાં દિપકરામ જુગતરામ ભટ્ટ સામે બેંકની ૨,૦૪,૨૧,૯૯૭ ની રકમ બેંક ખાતામાં જમા નહીં કરાવી અંગત ઉપયોગમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

 જે ફરિયાદના અનુસંધાને સીટી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ ૪૦૬,૪૦૮,૪૦૯,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને બેન્કમાંથી જરૂરી સાહિત્ય એકત્ર કરી બંને પૂર્વ કર્મચારીઓ ની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતો સહેન્દ્રસિંહ વિક્રમસિંહ કે જે અગાઉ ૨૦૧૪થી ૨૦૨૦ ની સાલમાં જામનગર ની ખેતી બેંક માં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે ધ્રોલમાં ગાંધી ચોક માં રહેતો દિપકરામ જુગતરામ ભટ્ટ કે જે કારકુન તરીકે તે સમયગાળા દરમિયાન ફરજ બજાવતો હતો. જોકે તે હાલ નિવૃત્ત થઈ ગયો છે. જે બંને એકબીજા સાથે મિલાપીપણું કરીને જામનગર શહેર આસપાસના ગામોના ખેડૂતોની ધિરાણની રકમ કે જે હપ્તા પેટે ચૂકવવામાં આવતી હતી. જે તમામ કામો ખેડૂતો પાસેથી રોકડેથી મેળવી લીધા પછી બેંકમાં જમા કરાવી ન હતી, અને ઉપરોક્ત રકમ બેંકમાં જમા થઈ ગઈ છે, તેવા ખોટા પ્રમાણપત્રો અને દાખલાઓ સહી સિક્કા અને નો ડ્યૂ સર્ટીફિકેટ વગેરે બનાવી લીધા હતા. અને કુલ ૨,૦૪,૨૧,૯૯૭ ની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેથી પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.