• ગંજીપાના વડે જુગાર રમી રહેલી ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો ગિરફતાર

જામનગર તા ૭, જામનગરમાં દિગઝામ સર્કલ નજીક રેલવે કોલોનીના ક્વાર્ટર્સમાં કેટલાક લોકો એકત્ર થઇને જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો પાડી ત્રણ મહિલાઓ સહિત પાંચ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. આ ઉપરાંત જામનગરમાં ગાયત્રી નગર વિસ્તારમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા બે શખ્સોને પોલીસે પકડ્યા છે.
 જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક રેલવે કોલોનીમાં ક્વાર્ટર નંબર -૩ માં રહેતા મનોજભાઈ ધીરજભાઈ સીતાપરા ના રહેણાંક મકાનમાં સ્ત્રી-પુરુષો એકત્ર થઇને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
 આથી પોલીસે મંજુબેન મનસુખભાઈ પંચાસરા, સતીબેન દેવાયત ભાઈ ડાંગર અને ચંદ્ર કળાબા ઉર્ફે ચંદુબા ભુપત સિંહ ઝાલા તેમજ મનોજ ધીરજભાઈ સીતાપરા અને ભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા વગેરે ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૬૭,૫૦૦નું જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
 આ ઉપરાંત જુગાર અંગે નો બીજો દરોડો ગાયત્રીનગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા શની શેરશિંગ ખીચા તેમજ સુરજશીંગ મનમોહનસિંગ તિલપિથિયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૧,૭૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.