• રાજકોટ એલસીબી કર્મચારી નો બનાવટી આઈ કાર્ડ બતાવી પોલીસ નો રોફ જમાવનાર રાજકોટનો શખ્સ પકડાયો

  • કાલાવડ પોલીસ દ્વારા આરોપી ની ધરપકડ કરી લઈ તેના કબજામાંથી લાઇટ વાળી ગન કબજે કરાઈ

જામનગર મોર્નિંગ - જામનગર તા ૭, જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં આજે અસલી પોલીસને નકલી પોલીસનો ભેટો થઇ ગયો હતો. કાલાવડના પીએસઆઇ સમક્ષ એક બનાવટી પોલીસ આવી ગયો હતો, અને પોતે રાજકોટ એલસીબી નો પોલીસ સ્ટાફ હોવાનું જણાવી રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસની ઉંડાણપૂર્વકની પૂછપરછ ના અંતે ભાંડો ફૂટી ગયો હતો, અને પોતે નકલી પોલીસ હોવાનું જાણવા મળ્યું હતું. તેના કબજામાંથી લાઇટર વાળી ગન કબજે કરી લેવામાં આવી છે. અને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
 આ ચકચારી બનાવની વિગત એવી છે કે કાલાવડના પી.એસ.આઇ ડી.એસ. જોશી કે જેઓ કાલાવડ સર્કિટ હાઉસમાં રહે છે, જેઓ આજે સવારે પોતાની ફરજ પર જવા માટે નીકળ્યા હતા, દરમિયાન એક બનાવટી પોલીસનો ભેટો થઇ ગયો હતો. જેણે પોતાનું નામ કવિરાજસિંહ ડી. જાડેજા અને રાજકોટ ગ્રામ્ય એલસીબી માં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું.
 જેણે તે પ્રકારનું આઈ કાર્ડ બતાવી રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી કાલાવડના પી.એસ.આઈ.ને શંકા ગઈ હોવાથી ઉંડાણપૂર્વકની તપાસ કરતાં તે આઇકાર્ડ ખોટું હોવાનું માલુમ પડયું હતું. તેથી ઉપરોક્ત શખ્સ ને પોલીસ મથકે લઇ વિશેષ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
 દરમિયાન તેનું સાચું નામ ભાવિન ભરતભાઈ ભારદિયા અને રાજકોટમાં ત્રિવેણીનગર રોડ પર રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પોતે કવિરાજસિંહ જાડેજા ના નામનું ખોટું આઇકાર્ડ બનાવી તેમાં પોતાનો ફોટો ચોંટાડી દીધો હતો. એટલું જ માત્ર નહીં, પરંતુ લાઇટર સાથેની રમકડાની ગન પોતાની પાસે રાખીને પોલીસ કર્મચારી હોવાનો રોફ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
 જેથી તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોલીસની ખોટી ઓળખ ઉભી કરવા અંગેનો જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો છે, અને કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તેનો રિપોર્ટ નેગેટીવ આવતાં પોલીસે તેની ધરપકડ કરી લઇ રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કર્યો છે. સાથોસાથ તેના કબજામાં રહેલી ડુપ્લીકેટ ગન અને બનાવટી આઈ કાર્ડ વગેરે કબજે કરી લઇ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
 ઉપરોક્ત શખ્સે જામનગર જિલ્લામાં ઉપરાંત રાજકોટ સહિતના આસપાસના જિલ્લામાં પોલીસ નો રોફ જમાવી ને તોડ કર્યો છે કે કેમ, તે અંગેની જાણકારી મેળવવા માટે જુદા જુદા પોલીસ મથકોને પણ જાણ કરવામાં આવી છે.