જામનગર મોર્નિંગ - દ્વારકા તા.08 : દેશ - દુનિયાની સાથે ગુજરાતમાં પણ તાજેતરમાં કોરોનાનું સંક્ર્મણ તેજગતીએ વધતા કોરોના સંક્ર્મણને ફેલાતું અટકાવવા તંત્ર કામે લાગી ગયું છે. ગુજરાતમાં આગામી દિવસોમાં આવી રહેલ મહાશિવરાત્રી અને હોળી ધુળેટી જેવા તહેવારોમાં મોટી સંખ્યામાં ભક્તજનોની મેદની એકઠી થતી હોય તેવા ધાર્મિક મેળા અને મંદિરો તહેવારોમાં બંધ રાખવા માટેના તંત્રએ નિર્ણય કર્યા છે.
જેમાં આગામી હોળી અને ધુળેટીના તહેવારોમાં જગત મંદિર દ્વારકાધીશએ આશરે બે થી અઢી લાખ જેટલાં ભક્તજનો જેમાં મોટા ભાગે પદયાત્રા મારફત ગુજરાત ભરમાંથી આવતા હોય છે. ત્યારે આ વખતે કોરોના કહેરના કારણે હોળી અને ધુળેટીના તહેવારમાં મોટી સંખ્યામાં આવતા ભક્તજનો કે દર્શનાર્થીઓ એકઠા ના થાય તે માટે જગત મંદિર દ્વારકા આગામી તા.27 થી 29 સુધી ત્રણ દિવસ માટે દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે.