• ત્રણ દુકાન અને બે કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દઈ છ હજાર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઇ

 જામનગર તા ૩૦, જામનગરના ખેતીવાડી ફાર્મ બાજરા સંશોધન કેન્દ્ર ની જગ્યા માં છેલ્લા ૪૦ વર્ષથી કેટલાક આસામીઓ દ્વારા ગેરકાયદે રીતે ત્રણ દુકાનો અને બે કાચા પાકા મકાનો ખડકી દઇ દબાણ કરવામાં આવ્યું હતું. જે મામલે લાંબા કાનૂની જંગ પછી આખરે જગ્યા ખુલ્લી કરી દેવાનો અદાલતનો આદેશ આવી જતાં આજે સવારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડીએ પોલીસ રક્ષણ મેળવી ને ડિમોલિશન હાથ ધર્યું હતું, અને અંદાજે છ હજાર ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવી છે.

 જામનગરના ખેતીવાડી ફાર્મ બાજરા સંશોધન કેન્દ્રમાં સરકારી જગ્યામાં આજથી ૪૦ વર્ષ પહેલા કેટલાક આસામીઓ દ્વારા અલગ-અલગ ત્રણ દુકાનો ખડકી દેવામાં આવી હતી, જ્યારે એક પાકું મકાન બનાવી લેવાયું હતું, જ્યારે એક કાચુ મકાન ઉભું કરેલું હતું.

 તે જગ્યા ખાલી કરાવવા માટે ખેતી વાડી ફાર્મ દ્વારા અદાલતનો આશરો લેવામાં આવ્યો હતો. જેના લાંબા કાનૂની જંગ પછી અદાલતે જગ્યા ખુલ્લી કરી દેવા માટેનો આદેશ આપ્યો હતો. જે આદેશના અનુસંધાને ખેતીવાડી શાખા ની ટીમે જામનગર મહાનગરપાલિકાની મદદ લીધી હતી.

 જેથી આજે સવારે એસ્ટેટ શાખાની ટુકડી જે.સી.બી. ટ્રેક્ટર વગેરે સાથે ખેતીવાડી ફાર્મ ની જગ્યા પર પહોંચી હતી, અને ભારે પોલીસ બંદોબસ્ત ની હાજરીમાં તમામ ત્રણ દુકાનો અને બે કાચા-પાકા મકાનો નું ડિમોલિશન હાથ ધરી આશરે છ હજાર ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવાઈ છે.