• હાલારમાં વિકાસકાર્યો તદ્દન મંદ ગતીએ !

તીરછી નજર - ભરત હુણ

જામનગર મોર્નિંગ - જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકાર અને પંચાયત હસ્તકના અનેક રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે પણ આ કામો અતિ મંદ ગતિએ ચાલી રહ્યા હોવાનું જણાઈ આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો મોટાભાગના રસ્તા પરથી આપણે પસાર થતા હોય છે ત્યારે જોવા મળે છે કે, ખાડા - ખડબા વાળા તૂટેલા અને કાં તો રસ્તાના રીપેરીંગ અને નવિનીકરણના કામ ચાલી રહ્યા છે. જે જગ્યાઓ પર રીપેરીંગ અથવા નવિનીકરણના કામ ચાલતા હોય ત્યાં પણ મહિનાઓ અને વર્ષો સુધી તદ્દન ધીમી ગતિએ કામ ચાલે છે અથવા તો અધુરા કામો કરીને ફરી બીજી જગ્યાએ કામો શરૂ કરવામાં આવે છે જેથી અધૂરા કામ થી ફરી તે રોડ નબળા પડી જાય છે અને ફરીથી બધું જ કામ નવેસરથી કરવું પડે તેવી સ્થિતિ આવી જાય છે.

રોડ - રસ્તાના કામોમાં ઉડીને આખે વળગે જે આખુ કામ સાથે જ અને સમય મર્યાદામાં ટકાઉ અને મજબૂત થાય તેવા બહુ ઓછા જૂજ માત્રામાં જોવા મળે છે. આ સિવાય પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળાઓ, કચેરી અને કવાંટર્સ જેવા સરકારી બિલ્ડીંગ બનાવવા અથવા રીપેરીંગ કરવાની કામગીરીમાં પણ આ જ સ્થિતિ છે. મોટા ભાગના વિકાસ કાર્યો મંદગતિએ ચાલી રહ્યા છે.

પંચાયત હસ્તકના કામોમાં જીલ્લા વિકાસ અધિકારી અને આવા તમામ પ્રકારના કામોમાં જીલ્લા કલેકટરે સંકલન કરી - કરાવી સમય મર્યાદામાં સારા - ટકાઉ કામો કરાવીને લોકોને વિકાસ કાર્યોની ભેટ આપવી જોઈએ.