ભાણવડ બાયપાસ રોડ

તીરછી નજર - ભરત હુણ

જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં ગત ઘણા વર્ષોથી રસ્તાની બાબતમાં પછાતપણું આવી ગયું છે. ભાણવડના હૃદય સમાન રણજીતપરા થી વેરાડ નાકા સુધીનો બાયપાસ રોડ પાલિકા હસ્તકનો લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. આના નવીનીકરણ માટે પાલિકા માં પૂછવામાં આવે તો તારીખો જ અપાઈ છે. ગત વર્ષે આ અંગે વિગત મેળવતા જાણવા મળ્યું હતું કે ચોમાસું પૂર્ણ થાય એટલે દિવાળીએ નવો રોડ બનશે બાદમાં દિવાળી અને હોળી ગઈ છતાં પણ આ બાયપાસ રોડનું મૂર્ત ના આવ્યું.

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના રોડની વાત કરવામાં આવે તો ભાણવડના રવિરાજ થી રાણપર - નાગકા સુધી પોરબંદર જતો રોડ ખુબ બિસ્માર હાલતમાં છે. આ રોડ લાંબા સમયથી પેવરપટ્ટા મારીને નવીનીકરણ કરવા માટે મંજુર થઇ ગયો છે. પણ ટેન્ડર પ્રક્રીયામાં અને વહીવટી કારણોસર સ્થળ પર કામ હજુ સુધી શરુ થતું નથી. રોડમાં હાલમાં ઠેર - ઠેર ખાડાઓ અને તૂટેલો જોવા મળી રહ્યો છે.

જીલ્લા પંચાયત હસ્તકના ભાણવડના ગ્રામ્ય વિસ્તારના રોડની વાત કરવામાં આવે તો ભેનકવડ થી મોખાણા થઈને ઘુમલી જતો આશરે ૨-૩ કિમી જેટલો રોડ ઘણા લાંબા સમયથી ખરાબ હાલતમાં છે. દર વર્ષે ચોમાસા બાદ કપચી-મેટલ પૂરીને ગાડુ ગબડાવવામાં આવે છે. આ વખતે તો મુશળધાર વરસાદને પગલે રોડનો મોટો ભાગ નાશ પામ્યો, કપચી-મેટલ ધોવાઇ ગયા છતાં તે રોડ ચોમાસા બાદ પણ પૂરતા પ્રમાણમાં રીપેર કરવામાં આવ્યો નથી. હાલમાં તે રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર થયેલ છે. પણ રોડનું કામ શરુ થવામાં ઘણો સમય લાગે તેમ હોવા છતાં હાલ આ સદંતર તુટેલા રોડને રીપેર કરવાની કામગીરી કરાતી નથી.

વધુમાં ભાણવડ થી ખંભાળીયા જવામાં ત્રણ પુલીયા(બ્રીજ) તૂટી ગયેલ છે. જેમાં એક ગુંદાના પાટીયાથી સાજડીયારીના પાટીયા વચ્ચેનો પુલ જે ગત વર્ષે ચોમાસામાં તૂટી ગયો હતો. એક ગુંદલા પાસે જે બે વર્ષ પહેલા તૂટી ગયો હતો જેની કામગીરી પણ હજુ સુધી ચાલે છે. તે સિવાય ખંભાળીયા પાસે પણ એક પુલ તૂટી ગયો હતો જે નવો બની ગયો છે. પણ ભાણવડ પાસે તુટેલા આ બંને પુલ હજુ સુધી બની શક્યા નથી.