• જિલ્લામાં કોરોના ના કેસ સતત ત્રીજા દિવસે પણ ૨૦૦ ને પાર: છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨૧ કેસ નોંધાયા
  • જામનગર શહેરના કોરોના ના ૧૨૩ કેસ નોંધાયા: ગ્રામ્યના ૯૮ સહિત કુલ ૨૨૧ કેસ નોંધાયા
  • છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરમાં ૨,૯૨૨ જ્યારે ગ્રામ્યમાં ૮૪૫ સહીત જિલ્લામાં ૩,૭૬૭ કોવિડ ટેસ્ટ કરાયા

જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૦, જામનગર જિલ્લામાં કોરોના નો સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૬ દિવસ થી સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસ માં પણ જબરો ઉછાળો આવ્યો છે, અને દિન પ્રતિદિન કેસ નો આંકડો વધતો જાય છે. ઉપરાંત મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે.અને કોરોનાની સારવાર દરમિયાન દર કલાકે ૧ થી વધુ વ્યક્તિ કોરોના ની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. છેલ્લા ૨૪ કલાકના સમયગાળા દરમિયાન સરકારી જી.જી હોસ્પિટલ માં વધુ ૨૬ દર્દીઓના કોરોના ના કારણે મૃત્યુ નિપજયા છે.જેથી સમગ્ર જિલ્લામાં કોરોનાનું બિહામણું રૂપ જોવા મળ્યું છે. ઉપરાંત કોરોના ના કેસોમાં પણ જબરો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના કેસનો આંકડો ૨૨૧ નો થયો છે, અને જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ૨૦૦ થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલું જ માત્ર નહીં જામનગર શહેરમાં કોરોનાનાં કેસ આંકડો ૧૨૩ નો થયો છે, તેમજ ગ્રામ્ય માં પણ સદી ની નજીક પહોંચ્યો છે અને ૯૮ પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્ર ચિંતામા મુકાયું છે.

 જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના વધુ ૨૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જામનગર શહેરના ૫૪ જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૯૦ દર્દીઓ સહિત કુલ ૧૪૪ દર્દીઓ સાજા થતાં તેઓને રજા મળી છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, જામનગર શહેરમાં ગઇકાલે સમગ્ર દિવસ દરમિયાન ૨,૯૨૨ લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૮૪૫ સહિત સમગ્ર જિલ્લામાં ૩,૭૬૭ લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે.

જામનગર જિલ્લામાં ગઇકાલે બપોર થી આજે બપોર સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ ૨૬ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૧,૨૪૩ નો થયો છે. 

સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૨૩

 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૯,૧૪૧ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૯૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૩,૨૬૦ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં ૧૨,૪૩૧ લોકો કોરોના સંક્રમિત થયા છે.

 ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૫૪ અને ગ્રામ્યના ૯૦ મળી ૧૪૪ દર્દીઓને રજા આપવામાં આવી છે.

 જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધવાના કારણે વહીવટી તંત્ર દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં આવી છે.