• નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૬ કરોડ ૩પ લાખની આવક

જામનગર મોર્નિંગ - દ્વારકા તા.02 : ગત નાણાંકીય વર્ષના કોરોના કાળમાં યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરની આવકમાં ચાલીસ ટકા જેટલો ઘટાડો થયો હોવા છતાં નાણાંકીય વર્ષ દરમ્યાન ૬ કરોડ ૩પ લાખ જેટલી વાર્ષિક આવક નોંધાઈ છે. યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં નાણાંકીય વર્ષ ર૦૧૯-૨૦માં અગિયાર કરોડથી વધુ રકમની આવક નોંધાઈ હતી. જેની સરખામણીએ ગત નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ એ કોરોનાકાળ ગણાતો હોય જેમાં મંદિર બંધ તેમજ યાત્રાળુઓના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડાનો સમયગાળો હોય જગતમંદિરની આવકમાં ૪૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો અને તા.૩૧-૦૩-૨૦૨૧ સુધીમાં દેવસ્થાન સમિતિને રૂા.૬,૩પ,૭૨,૯૦૦/-ની આવક નોંધાઈ છે. જોકે કોરોના કાળમાં પણ અમૂક સમય માટે જગતમંદિર ભાવિકો માટે બંધ રહેવા છતાં ઠાકોરજીમાં અપાર શ્રધ્ધા ધરાવતાં ભાવિકોએ વર્ષ દરમ્યાન ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ સેવામાં ઉદાર દાન આપતા છ કરોડ ૩૫ લાખથી વધુની અપેક્ષિત આવક થઈ હોવાનું જણાવાયું છે.