જામનગર તા. ૫,    જામનગર ના વકીલો તેમજ તેમના પરિવારજનો માટે હાલના કોરોના કાળ  માં મદદરૂપ થવા માટે ૧૧ વકીલો એ  સ્વખર્ચે એમ્બ્યુલન્સ તથા ઓક્સિજન ની તાત્કાલિક જરૃરિયાત માટે સેવા અર્પણ કરી અનોખી સેવા આપી છે.


            જામનગર માં હાલમાં કોરોના નું સંક્રમણ બેકાબુ બન્યું છે. ત્યારે  દર્દીઓને મદદરરૂપ થઈ શકાય તે માટે નગરની કેટલીક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. તે દરમિયાન જામનગરના ૧૧ વકીલો  એ જામનગરના જ વકિલો તથા તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી  છે.

જામનગરના એડવોકેટ હેમલભાઈ ચોટાઈ, રાજેશ ગોસાઈ, રાજેશભાઈ કનખરા, વીરલ એસ. રાચ્છ, આરીફ ગોદર, વસંત ગોરી, પીયૂષભાઈ ભોજાણી, મિલન પારેખ સહિત ના એડવોકેટ મિત્રોએ ઓક્સિજન સાથેની એમ્બ્યુલન્સ સેવામાં મૂકી છે.


આ એમ્બ્યુલન્સમાં વકીલમિત્રો તેમજ તેમના કોઈ પરિવારજનોને જો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાના હોય કે ઓક્સિજનની તાતી જરૃરિયાત ઉભી થાય તેવા સંજોગોમાં કાર્ય કરી શકે તે પ્રકારની  પહેલ કરી છે.


એમ્બ્યુલન્સ તેમજ ઓક્સિજન માટે થનાર તમામ ખર્ચ આ મિત્રો ઉઠાવશે. તેઓએ જામનગર એડવોકેટ મિત્રમંડળના લોગા સાથેની ઉપરોક્ત એમ્બ્યુલન્સ સેવામાં અર્પણ કરી છે. તેનો લાભ લેવા માટે હેમલભાઈ ચોટાઈ (૮૮૪૯૦ ૯૮૨૭૪) અથવા રાજેશભાઈ ગોસાઈ (૯૮૨૫૦ ૮૭૭૫૮) નો સંપર્ક કરી શકાશે.