• કેટલાક વેકશિન સેન્ટર બંધ હોવા અંગે અગાઉ જાણકારી અપાઈ ન હોવાથી લોકોને ધરમધક્કો

 જામનગર તા ૮, જામનગર મહાનગરપાલિકા દ્વારા ૪૫ વર્ષથી ઉપરના લોકો માટે ૧૫ જેટલા સ્થળો પર વેક્સિનેશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, અને પ્રત્યેક સ્થળે ૧૫૦ લોકોને જ માત્ર વેક્સિનેશન આપી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાથી વહેલી સવારથી જ લોકોનો ધસારો જોવા મળે છે.

 તેમાંય શનિવારે ૧૫ ના બદલે માત્ર છ સ્થળો પર વેક્સિનેશન ની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હોવાથી લાઈનો પણ વધી ગઈ હતી, અને કેટલાક સ્થળો પર લોકોને ધરમધક્કા ખાવા પડ્યા હતા.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકો માટે ૧૨ અર્બન હેલ્થ સેન્ટર ઉપર વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ૪૫ વર્ષથી ઉપરની વયના લોકો માટેની અલગ સ્થળે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે વેક્સિનેશન જે સ્થળે કરાયું હતું, તે પૈકીના માત્ર છ સ્થળો શનિવારે ચાલુ રાખવામાં આવ્યા હોવાથી લોકોનો ધસારો જોવા મળતો હતો, અને માત્ર ૧૫૦ લોકોને વેક્સિનેશન કરાય તેટલો જથ્થો ઉપલબ્ધ હોવાથી વહેલી સવારથી જ લોકોની ટોકન મેળવવા માટે પડાપડી જોવા મળતી હતી.

 જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલા ઇન્દુ-મધુ હોસ્પિટલ ના વેક્સિન સેન્ટરમાં ૧૫૦ ના બદલે ૧૦૦ વેક્સિન નો જથ્થો જ આવ્યો હોવાથી ત્યાં બહોળી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું, અને અનેક લોકોને નિરાશ થઈને પરત ફરવું પડયું હતું.

 સાથોસાથ સનસાઈન સ્કૂલ સહિતના અન્ય કેટલાક વેક્સીનેશન સેન્ટર કે જે શનિવાર અને રવિવાર બે દિવસ માટે બંધ રાખી દેવાયા છે. જે અંગેની અગાઉથી કોઈ જાણકારી અપાઈ ન હોવાથી તે સ્થળે પણ લોકોને ધરમ ધક્કો થયો હતો. શનિવાર ના દિવસ દરમિયાન વેક્સિનેશન કરાવવા માટે અનેક લોકોને આમ તેમ ભાગવું પડ્યું હતું, અને તેમાંય ખાસ કરીને જે લોકોને બીજો ડોઝ મેળવવાનો હોય તેઓને જ રસીકરણ કરાયું હોવાથી પ્રથમ ડોઝ મેળવવા માટે પણ લોકોએ ચોતરફ દોડધામ કરી હતી.