જામનગર તા. ૧ઃ,    જામનગર જિલ્લો ભારત ની પશ્ચિમી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ છે .અને અતિ સંવેદનશીલ છે. જિલ્લામાં કુલ ૯ દરિયાઈ ટાપુઓ આવેલ છે. તેમાંથી માત્ર એક પીરોટન ટાપુ ઉપર માનવ વસાહત છે, જ્યારે અન્ય આઠ ટાપુ માનવ રહિત છે. આ નિર્જન ટાપુ ઉપર ધાર્મિક જગ્યાઓ આવેલ છે, જ્યાં માનવ અવરજવર રહે છે.


        આવા ટાપુ ઉપર રાષ્ટ્ર વિરોધી દાણચોરી જેવી ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો સહેલાઈથી ટાપુ ઉપર આશ્રય મેળવે અને હથિયારો, નશાકારક પદાર્થ છૂપાવના ઉપયોગ કરે તેવી પૂરી સંભાવના છે. આથી આવી પ્રવૃત્તિ રોકવા માટે તમામ નવ ટાપુ ઉપર પ્રવેશ માટે અગાઉથી લેખિત પરવાનગી લેવી જરૂરી છે. આ માટે જાહેરનામું બહાર પાડવા જિલ્લા પોલીસ વડાએ દરખાસ્ત કરી હતી, જેના અનુસંધાને જામનગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયા એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, અને પૂર્વ મંજુરી વગર નવેય ટાપુ ઉપર પરવાનગી વગર પ્રવેશ બંધી ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. આ જાહેરનામું તા. ૧-પ-ર૦ર૧ થી ર૯-૬-ર૦ર૧ સુધી અમલમાં રહેશે.


      આ નવ  ટાપુ માં ભેસબીડ ટાપુ, માલડી ઉર્ફે મોવાળો ટાપુ, છાડ ઉર્ફ ડાંગરિયો ટાપુ, જીદ્રા ટાપુ, સનરો ઉર્ફે છન્ડો ટાપુ, સાનવેલી ઉર્ફે શાવેલી ટાપુ, પીરોટન ટાપુ, ડીડોકા ટાપુ અને મુડિકા ટાપુનો સમાવેશ થાય છે.