•  "લીઝ ચલાવવી હોય તો પૈસા આપવા પડશે નહીંતર જીવતા નહીં રહો" તેવી ધમકી સાચી પડી
  •  મૃતક યુવાનના છાતીના ભાગે થી પોસ્ટ મોર્ટમ દરમિયાન એક ગોળી નીકળી: અન્ય ઇજાગ્રસ્ત યુવાન ના હાથનું ઓપરેશન કરાયું


 જામનગર તા ૨, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામ માં રેતી ની લીઝ ના પ્રશ્ન બાલંભા ગામના ઉપસરપંચ પર ફાયરિંગ કરી નિર્મમ હત્યા નીપજાવાઇ હતી જ્યારે તેના પિતરાઇ ભાઇ પર જીવલેણ હુમલો કરાયો હતો. તે હત્યા અને હિચકારા હુમલા પ્રકરણ ના ભાગી છૂટેલા ચારેય આરોપીઓને શોધવા માટે પોલીસે નાકાબંધી કરી દોડધામ શરૂ કરી છે. મૃતક યુવાનનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું ત્યારે તેની છાતી માંથી એક ગોળી નીકળી હતી. જ્યારે ઇજાગૃસ્ત યુવાન ના હાથનું ઓપરેશન કરી લેવાયું છે. રેતીની લીઝ ચલાવવી હોય તો તમારે પૈસા આપવા પડશે, નહીં તો જીવતા નહીં રહો. તેવી આરોપીઓ દ્વારા અપાયેલી ધમકી સાચી પડી હતી, અને એક યુવાને જીવ ગુમાવ્યો છે.

 આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના બાલંભા ગામના ઉપસરપંચ કાંતિલાલ રામજીભાઈ માલવિયા ઉપર રેતીની લીઝ ચલાવવાના પ્રશ્ને બે દિવસ પહેલા ઝગડો થયા પછી બાલંભા ગામ ના જ અયૂબ જુસબ જશરાયા અને અસગર હુસેન કમોરા તથા તેના અન્ય સાગરીતોએ ગઈકાલે સાંજે કાંતિભાઈ ની લીઝ ની ઓફિસે આવી ફાયરિંગ કરી દીધું હતું, અને કાંતિભાઈ નું ઢીમ ઢાળી દીધું હતું. જ્યારે તેના પિતરાઈ ભાઈ નીલેશ કરસનભાઈ માલવિયા ના હાથમાં ધારદાર હથિયારથી હુમલો કરી દેતાં હાથ કપાયો હતો.

 જે બનાવ અંગે નિલેશભાઈ માલવિયાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૦૨,૩૨૬,૪૨૭,૧૧૪, અને આર્મ્સ એક્ટ ની કલમ ૨૫(૧બી)એ,૨૯ તથા જી. પી. એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. જોડીયા પોલીસ ઉપરાંત જામનગરની એલસીબી અને એસઓજી શાખા ની જુદી જુદી ટુકડીઓ દ્વારા સમગ્ર જિલ્લાભરમાં નાકાબંધી અને રાત્રી કોમ્બિંગ હાથ ધરાયું હતું અને આરોપીઓને પકડવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.

 જોકે હજુ સુધી એક પણ હુમલાખોરો હાથ લાગ્યા નથી. મૃતક યુવાન નું આજે સવારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જે દરમિયાન તેની છાતી માંથી એક ગોળી નીકળી હતી. અન્ય ઇજાગ્રસ્ત યુવાનનું પણ ઓપરેશન કરી લેવાયું છે.

 આરોપીઓએ આજથી ત્રણ દિવસ પહેલા કાંતિભાઈ ની ઓફિસે આવીને જો તમારે લીઝ ચલાવવી હોય તો અમને પૈસા આપવા પડશે, નહીંતર જીવતા નહીં રહો. તેવી ધમકી આપી હતી. જે ધમકી સાચી પડી હતી, અને કાંતિભાઈ એ પોતાને જીવ ગુમાવવો પડયો છે.