• ખેડૂતોની માંગ છે કે તેમને માટી કાંપ ઉપાડવા માટે તાલુકાનાં કોઈ પણ તળાવ માંથી છૂટછાટ મળવી જોઈએ


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.02, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દર વર્ષે ખેડૂતોનાં નામે સિંચાઈ વિભાગ હસ્તકના તળાવો માંથી માટી ઉપાડવાની મંજૂરી લઈને આ માટીનું મોટા પ્રમાણમાં વેચાણ તેમજ માટીની આડમાં કિંમતી ખનીજની હેરાફેરી થતી હોવાની વ્યાપક ફરિયાદો બાદ ચાલુ વર્ષે કલેકટર દેવભૂમિ દ્વારકાએ કઠોર નિર્ણય લીધો છે કે, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જે ગામનું તળાવ હશે તે જ લાગુ પડતા ગામમાં માટી નાખી શકશે દૂરના ગામોમાં આ માટી નાખી શકાશે નહી. આ બાબતે કલેકટરની સૂચના મુજબ જીલ્લા ખાણ ખનીજ કચેરી દ્વારા સિંચાઈ વિભાગને પત્ર દ્વારા પણ જાણ કરાઈ છે કે તમારા દ્વારા સુજલામ સુફલામ યોજના અન્વયે અથવા તો ખેડૂતોને સ્વખર્ચે સિંચાઈ હસ્તકનાં તળાવો માંથી માટી કાંપ ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે તેમાં જે ગામનું તળાવ હોય તે લગત ગામના ખેડૂતો જ તે માટી ઉપાડી શકશે તે મુજબ મંજૂરી આપવી અને બીજા દૂરનાં ગામોમાં મંજૂરી આપી હોય તો તે તાકીદે રદ કરીને નવેસરથી જે તે ગામના તળાવમાં જે તે લગત ગામના ખેડૂતો ને જ માટી ઉપાડવાની મંજૂરી આપવી. આ નિર્ણયથી માટીનો કારોબાર અને વેચાણ કરતા લોકો પર અંકુશ આવ્યો છે.


સાચા અને જરૂરિયાત વાળા ખેડૂતો આ નિર્ણયથી હેરાન થઇ રહ્યા છે.


જે તે ગામના તળાવ માંથી માટી જે તે ગામના ખેડૂતો જ લઇ જઈ શકશે આ નિર્ણયથી સાચા અને જરૂરિયાત મંદ ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે કેમકે દરેક ગામમાં સારી ફળદ્રુપ માટી વાળા તળાવો નથી હોતા જેથી 5-7 ગામના ખેડૂતો સાથે મળીને એક ગામના તળાવ માંથી માટી ઉપાડીને તે જૂથમાં બધા લઇ જતા હોય છે. તે હવે નવા નિયમ મુજબ થઇ શકતું નથી જેથી જરૂરિયાત મંદ ખેડુત પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમજ ગત વર્ષે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વ્યાપક પ્રમાણમાં પડેલા વરસાદથી અનેક ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે જેથી તેમાં ખેતી સુધારણા માટે માટી નાખવી જરૂરી છે.


ખેડૂતોની માંગ છે કે તેમને તાલુકા પૂરતી છૂટછાટ મળવી જોઈએ કે તાલુકાના કોઈ પણ ગામના તળાવ માંથી માટી કાંપ ઉપાડીને પોતાની ખેતી સુધારણા માટે ખેતર સુધી વિના અડચણે પહોંચાડી શકે અને તાલુકા સુધીની છૂટ નાં મળે તો લગત 5-7 ગામો સુધીની છૂટ મળવી જોઈએ કેમ કે દરેક ગામમાં તળાવો નથી હોતા જેમાં ફળદ્રુપ માટી કાંપ ભરાયેલ હોય. આ અંગે જીલ્લા કલેકટર, ખાણ ખનીજ વિભાગ અને સિંચાઈ વિભાગ ખેડૂતોનાં હિતમાં ફેર વિચારણા કરીને સારો નિર્ણય લ્યે તે જરૂરી છે.