જામનગર મોર્નિંગ - જામનગર તા.10 : હાલારના મોટા ભાગના ખેડૂતોએ ગયા મહિનાની 19,20 અને 21 એમ ત્રણ દિવસ પડેલા વરસાદમાં વાવણી કરી લીધી હતી. બાદમાં સતત 20 દિવસ સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોના જમીનમાંથી ઉગીને બહાર નીકળેલ પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી હતી સાથે જ વિધિવત રીતે ચોમાસાના ઘણા દિવસો વીતવા છતાં વરસાદ ના થતા લોકોમાં વરસાદની વાટ જોવાઈ રહી હતી અને વરસાદ ના થવાની ચિંતા પણ સતાવી રહી હતી.

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જુલાઈની 7 તારીખ પછી વરસાદ શરૂ થવાની આગાહી પણ અપાઈ હતી ત્યારે આજે બપોરબાદ જામનગરના જામજોધપુરમાં અડધો ઇંચ, કાલાવડમાં પોણો ઇંચ તથા દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જયારે ખંભાળીયામાં ઝરમર અમીછાંટણા થયા હતા. હાલારની સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અડધાથી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદથી વાતાવરણની સાથે લોકોના હૈયામાં પણ ઠંડક પ્રસરી છે.

હવામાનને લગત એક ખાનગી વેબસાઈટના જણાવ્યા મુજબ ગુજરાતમાં 7 જુલાઈ પછી સારો વરસાદ થવાના એંધાણ હતા પણ વરસાદી ચોમાસા અને હાઈ પ્રેસર વચ્ચે એક ટાઈપના યુદ્ધ જેવું ચાલતું હતું વાતાવરણ બને એવુ વિખાઈ જતું. હાલમાં શરૂ થયેલો 22/25 તારીખે સુધી ચાલશે ધીમે ધીમે સાર્વત્રિક વરસાદ શરૂ થઇ જશે એવુ હાલની સક્રિય થયેલ સિસ્ટમ પરથી દેખાઈ રહ્યું છે.