જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગરના ઈવા પાર્કમાં ગયા જાન્યુઆરી મહિનામાં એક બિલ્ડર પર બાઈકમાં આવેલા ચાર શખ્સે ફાયરીંગ કર્યું હતું. તે પછી જયેશ પટેલના ઈશારે ફાયરીંગને અંજામ આપનાર કાયદાથી સંઘર્ષિત કિશોર સહીતના શખ્સો સામે ગુન્હો નોંધાયો હતો. આ કેસના બે આરોપીએ જામીનમુકત થવા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે.

મળતી વિગત મુજબ જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ઈવા પાર્ક વિસ્તારમાં પોતાના મકાનનું બાંધકામ કરાવતાં જયસુખભાઈ દેવરાજભાઈ પેઢડીયા ઉર્ફે ટીના પર ગઈ તા. ૨૮-૦૧-૨૦૨૧ની સવારે નવેક વાગ્યે મોટર સાયકલ પર ધસી આવેલા ચાર શખ્સે પોતાની પાસે રહેલી પીસ્તોલમાંથી ફાયરીંગ કરી જયસુખ પેઢડીયાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જયસુખને હોઠના ભાગે ગોળી છરકો કરીને નીકળી ગઈ હતી. ત્યારપછી ઈજાગ્રસ્તના ભાઈ હસમુખ પેઢડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યુ હતું કે બનાવના એકાદ મહિના પહેલા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલે વોટ્સએપ પર કોલિંગ કરી ધમકી આપી હતી અને તું કે તારો ભાઈ બાંધકામની સાઈટ પર જતા નહી તેમ જણાવ્યું હતું અને તે પછી જયેશ પટેલના ઈશારે ફાયરીંગ કરાયું છે. પોલીસે ઉપરોકત ગુન્હાની નોંધ કરી આરોપી મયુર આલાભાઈ હાથલીયા, દીપ હીરજીભાઈ હડીયા, સુનીલ ખીમાભાઈ કણઝારીયા, ભીમશી ગોવાભાઈ કરમુર, કરણ ભીખાભાઈ કેસરીયા, સુનિલ દેવશીભાઈ નકુમ, ભરત કરમશીભાઈ ચોપડા ઉર્ફે કચો, મૂળ ઉત્તરપ્રદેશના પંકજ રામનારાયણ તેમજ કાયદાથી સંઘર્ષિત એક કિશોરની અટકાયત કરી હતી. તે પછી જીજ્ઞેશ ઉર્ફે જગદિશ માલદેભાઈ આંબલીયા, નાગેશ ઉર્ફે વીરાજ કૈલાસભાઈ રાઠોડની પણ ધરપકડ કરી પોલીસે હુમલા પહેલાં રેકી કરવા માટે વાપરવામાં આવેલા વાહન ઝબ્બે લીધા હતાં. આરોપી પૈકીના ભરત ઉર્ફે કચા અને સુનિલ કણઝારિયા તેમજ જયસુખ ચોપડાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેઓ જયેશ પટેલના ફોનના માધ્યમથી સંપર્કમાં હતા અને તેણે હસમુખ પેઢડીયા અથવા તેના ભાઈ જયસુખ પેઢડીયામાંથી કોઈપણ એકને મારી નાખવા માટે રૂપિયા બે કરોડની સોપારી આપી હતી અને તેના પેટે રૂપિયા પાંચ લાખ આંગડીયા મારફત મોકલાવ્યા હતાં. પોલીસે જયસુખ હરિલાલ ચોપડા અને જયેશ પટેલની હાલમાં પણ શોધ ચાલુ રાખી છે.

તે દરમ્યાન આરોપીઓ પૈકીના દીપ હીરજીભાઈ હડીયા તથા ભરત ઉર્ફે કચાએ  જામીનમુકત થવા અદાલતમાં અરજી કરતાં ડીજીપી જમન ભંડેરીએ કરેલી દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે ક્રિમિનલ માઈન્ડથી ગુન્હો કરનારને પેરીટીનો લાભ મળે નહી તેમ ઠરાવી બન્ને આરોપીની જામીન અરજી રદ્દ કરી છે.