કલેકટર એમ.એ. પંડયાએ ધ્‍વજવંદન કરી પરેડનું નિરિક્ષણ કર્યું હતું: કોરોના વોરિયર્સ તથા વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારનું સન્માન 

જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા 


દેવભૂમિ દ્વારકાના મુખ્‍ય મથક ખંભાળીયામાં પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે દેશના ૭૫માં સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટ એમ એ પંડ્યાએ દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી માર્ચ પાસ્તનું નિરીક્ષણ કર્યું હતું. આ રાષ્ટ્રિય પર્વ પ્રસંગે કલેકટર એમ એ પંડ્યાએ સ્‍વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી મહામુલી આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય વિરો, મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા વીર પુરુષોને નમન કરી જિલ્લામાં થયેલ વિકાસગાથાને વર્ણવી હતી તેમજ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. રાજ્ય સરકારની વતન પ્રેમ યોજનાનો  વિડિયો આ પ્રસંગે દર્શાવવામાં આવ્યો હતો. 


આ તકે પી.એમ.જે.વાય. ‘‘માં’’ યોજના અંતર્ગત ઉત્તમ કામગીરી બદલ જનરલ હોસ્પિટલ ખંભાળિયા તેમજ સાંકેત હોસ્પિટલ ખંભાળિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૦૮ માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઈ.એમ.ઓ મહેશભાઈ વાળા તથા પાયલોટ કેતનભાઈ નંદાણીયા તેમજ જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકો સર્વ કપિલભાઈ સંઘાણી, દિલીપભાઈ છુછર, ધિરેનભાઈ ભાટ્ટ, દેવાણંદભાઈ  કાંબરિયાનું તેમજ પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ જવાનોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કલેકટર તથા મહાનુભાવોએ જિલ્‍લાના કોરોના વોરીર્યસનું અભિવાદન કર્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા વર્ચ્યુઅલ યોજાયેલ ચિત્ર તેમજ નિબંધ સ્‍પર્ધાના વિજેતાઓને અહિંથી અભિનંદન પાઠવામાં આવ્‍યા હતા. 


સ્‍વાતંત્ર્ય પર્વ પ્રસંગે જિલ્‍લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક મહાનુભાવોના હસ્‍તે જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાને આપવામાં આવ્‍યો હતો. તેમજ ભાણવડ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા કોરોના સમયમાં અવસાન પામેલ મોહનભાઇ સોલંકીના ધર્મપત્‍ની શાંતીબેન મોહનભાઇને રાજય સરકાર તરફથી મળેલ સહાયનો રૂા.૨૫ લાખનો ચેક તથા રૂા. ૬ લાખની એફ.બી. મહાનુભાવોના હસ્‍તે આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. 


રાષ્‍ટ્રીય પર્વના આ કાર્યક્રમમાં જિલ્‍લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ અનીલભાઇ તન્‍ના, જિલ્‍લા પંચાયત વિવિધ સમિતિઓના ચેરમેન સંજય નકુમ, જીતેન્‍દ્ર કણઝારીયા, તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઇ કરમુર, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા પોલીસ વડાસુનીલ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની, પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અગ્રણીઓ સર્વ વી.ડી. મોરી, હિતેશભાઇ પીંડારીયા, ઇન્‍દ્રજીતસિંહ પરમાર, પ્રતાપભાઇ પીંડારીયા સહિત શહેરના અગ્રણીઓ શહેરીજનો ઉપસ્‍થિત રહયા હતા.