પશ્ચિમ બંગાળથી ઝડપાયો: ચાર દિવસના રિમાન્ડ મંજુર  

જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા 


દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સોનાના વેપારીનું સોનુ લઈને કામ કરવા આવેલ પશ્ચિમ બંગાળનો શખ્સ બીજા જ દિવસે બે લાખનું સોનુ લઈને નાસી છૂટ્યો હતો તે શખ્સને ખંભાળિયા પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપી લઈ આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મળતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સોના ચાંદીના વેપાર સાથે જોડાયેલા શીરાજ બંગાળી નામના એક વેપારી કારીગરને ત્યાં ગત તારીખ 11 એપ્રિલના રોજ કામ પર લાગેલો સાકીરૂદિન અબ્દુલ શેખ નામનો 21 વર્ષનો યુવાન બીજા જ દિવસે અંદાજે રૂ. 2 લાખની કિંમતનું 45 ગ્રામ સોનુ લઈને નાસી છૂટ્યો હતો, આ બનાવની જાણ પોલીસ મથકમાં થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

બાદમાં ખંભાળિયા પોલીસ પશ્ચિમ બંગાળ રાજ્યના હુબલી જિલ્લામાં પહોંચતા ડોલેશ્વર વિસ્તારમાંથી ઝડપી લઈ ખંભાળીયા ખાતે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મંગાવામાં આવ્યા હતા જયારે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ તપાસમાં વધુ જાણવા મળતા આરોપી અન્ય નામથી ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવી અહીં કામ પર રહ્યો હતો. 

આ કાર્યવાહી પીએસઆઈ એમ.જે. સાગઠીયા, એ.એસ.આઈ. જયરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ ગોહિલ, જયાબેન ભેટારીયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.