જામનગર મોર્નિંગ – જામનગર તા.૦૮ : જામનગર શહેર ૨ દાયકા પહેલા વિશાળ મેદાન જેવું હતું. એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું હોય તો જાણે એક ગામથી બીજે ગામ જઈએ એવી ખુલ્લી જગ્યાઓ પડી હતી. ધીરે ધીરે શહેરનો વિકાસ થયો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખુબ આગળ વધ્યું ચારે બાજુ શહેર હર્યું ભર્યું થઇ ગયું જ્યાંથી ટ્રક પસાર થઇ શકે એવા રસ્તાઓ હતા ત્યાં કાર માંડ પસાર થઇ શકે તેવી હાલત થઇ ગઈ છે. જામનગર શહેરના મુખ્ય માર્ગો પર કોમર્સિયલ બાંધકામો થાય છે ત્યાં યોગ્ય પાર્કિંગની વ્યવસ્થાઓ થતી નથી. પરિણામે ૧૦૦ દુકાનોના કોમ્પલેક્ષમાં ૫૦ દુકાનધારકોના વાહન પણ રાખી શકાતા નથી તો બાકીના વધેલા ૫૦ દુકાનદારો દૈનિક પાર્કિંગ કરવા ક્યાં જાય ? જામનગર શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પાર્કિંગની મોટી સમસ્યાઓ છે. એનું મુખ્યકારણ છે આયોજન અથવા નિયમના પાલનના અભાવમાં થતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ૧૦૦ દુકાનના કોમ્પલેક્ષમાં ૧૦૦ દુકાનધારકોના વાહન પાર્ક થઇ શકે એવી વ્યવસ્થા કેમ નથી કરાવી શકાતી ? જો એ થઇ શકે તો અડધો પાર્કિંગ અને ટ્રાફિકનો પ્રશ્ન હલ થઇ જાય તેમ છે. શહેરમાં બાંધકામો થાય છે તે મંજુર લે – આઉટ પ્લાનથી બહાર નીકળી જાય છે જેના હિસાબે રોડ – રસ્તાઓ અને શેરી સાંકળી થતી જાય છે. અને આ અવિરત ચાલ્યું તો વિશાળ જામનગર સાવ સાંકળું શહેર બની જશે તે વાત નકારી શકાઈ તેમ નથી.