જામનગરના ૪૧૭ અને દેવભૂમિ દ્વારકાના ૨૩૯ ગામોની સમસ્યા : ગ્રામીણ રસ્તાઓ રીપેર કરવા માટે જીલ્લા તંત્ર, ગ્રામ પંચાયતોને સુચના આપીને ઝુંબેશ સ્વરૂપે આ કામગીરી ઉપાડે તો અનેક ખેડૂતોના હૈયે સ્મિત આવી શકે તેમ છે. સ્થાનિકોને રોજગારી પણ મળે અને રસ્તાઓ પણ રીપેર થઇ શકે.


જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૨ : સૌરાષ્ટ્ર સહીત જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દર વર્ષની સરખામણીએ આ વખતે ખુબ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે. એમાં પણ સપ્ટેમ્બર તો આખો મહિનો મન મુકીને વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં સૌથી વધુ નુકશાન ખેતપેદાસો અને ગ્રામીણ માર્ગો પર થઇ છે. જેની સીધી અસર ખેડૂતો અને પશુપાલકોના અર્થતંત્ર પર પડે છે.


જામનગરના ૪૧૭ જેટલા ગામો અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૨૩૯ જેટલા ગામો મળીને ૬૫૬ જેટલા ગામો થાય છે. જે પૈકીના મોટા ભાગના ગામોમાં ગ્રામીણ રસ્તાઓ જે ગામથી સીમને ખેતીવાડીને જોડતા હોય એવા લગભગ તમામ ગામોમાં ૩-૪ રસ્તાઓ આવેલા હોય છે આ રસ્તાઓ ભારે વરસાદના કારણે ધોવાઇ ગયા છે. અનેક ગામોમાં ખેતીવાડી સુધી વાહન હજુ સુધી પહોચી ના શકે તેટલા મોટા પ્રમાણમાં એક દોઢ ફૂટ ઉંડા અને પાંચ - છ ફૂટ લંબાઈના ખાડા પડ્યા છે. હાલ ખેડૂતોને ખરીફ પાક તૈયાર થયો છે તે માર્કેટમાં વેચાણ માટે લઇ જવા માટે ખરાબ રસ્તાઓના કારણે અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. વરસાદ બંધ થયાને પણ ખુબ સમય થઇ ગયો છતાં આવા રસ્તા રીપેર થતા નથી. કયારેક નક્કી પણ થતું નથી કે આ રસ્તા કોણ રીપેર કરશે એમાં પણ ઘણા ગામો માંતો જેમને જરૂર હોય તે જાતે ખેડૂતો મળીને સ્વખર્ચે રીપેર કરે છે આવું કેટલો સમય ચાલશે ? ઘણા ખેડૂતોને ખબર પણ નથી હોતી કે સરકારમાંથી આ રોડ રીપેર થઇ શકે. અને તંત્ર કહે છે કે અમને ગ્રામ પંચાયત દરખાસ્ત મોકલે તો અમો નરેગા મારફત મંજુર કરી આપીએ.


જો જીલ્લા તંત્ર આવા રસ્તાઓ રીપેર કરવા માટે ગ્રામ પંચાયતોને સુચના આપીને ઝુંબેશ સ્વરૂપે આ કામગીરી ઉપાડે તો અનેક ખેડૂતોના હૈયે સ્મિત આવી શકે તેમ છે. સ્થાનિકોને રોજગારી પણ મળે અને રસ્તાઓ પણ રીપેર થઇ શકે.


  • ગામથી ખેતીની જમીનને જોડતા સીમ રસ્તાઓ ગ્રામ પંચાયત નાણા પંચની ગ્રાન્ટ માંથી અથવા નરેગા યોજના મારફત કરી શકે છે. - મિહિર પટેલ , જીલ્લા વિકાસ અધિકારી - જામનગર 

 

  •  ગામથી ખેતીની જમીનને જોડતા સીમ રસ્તાઓ નરેગા યોજના મારફત થઇ શકે છે. જે - તે રસ્તા રીપેરીંગ માટે ગ્રામ પંચાયતએ દરખાસ્ત મોકલવાની હોય જે આધારે નરેગા અન્વયે થઇ શકે છે. - ડી.જે. જાડેજા, જીલ્લા વિકાસ અધિકારી - દેવભૂમિ દ્વારકા