• પંચાયત વિભાગ અંતર્ગત MPHW, FHW, મુખ્ય સેવિકા, લેબ ટેકનીશીયન ફાર્માસિસ્ટની કાયમી ભરતી કરવા માટેની માંગણી.


જામનગર, દેવભૂમિ દ્વારકા સહીત ગુજરાત ભરના શિક્ષિત બેરોજગાર આરોગ્ય વિભાગને લગત અભ્યાસ કરેલ યુવક યુવતીઓએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવીને પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માંગણી કરી છે. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ વીતેલા પાંચ વર્ષથી MPHW , FHW , મુખ્ય સેવિકા , લેબ.ટેક . , ફાર્માસિસ્ટ વર્ગ –૩ ની ભરતી પરીક્ષાની તૈયારીઓ કરીએ છીએ. અમારી આ ભરતી છેલ્લે 24 નવેમ્બર , 2016 માં કરવામાં આવી હતી . પછી ત્યારબાદ અવાર નવાર રૂબરૂ રજુઆત કરવા છતાં , અઢળક જગ્યા ખાલી હોવા છતાં કોઈ નવી ભરતી કરવામાં આવી નથી અને આજ દિન સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવેલ નથી. આપણા આ વિકાસશીલ ગુજરાતમાં ગુજરાત રાજ્યના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં MPHW ની 2239 , FHW ની 4137 , મુખ્ય સેવિકાની 1100 તથા લેબ . ટેક.અને ફાર્માસિસ્ટની અઢળક જગ્યાઓ આજની તારીખ સુધીમાં ખાલી છે . જો આ જગ્યા પર સીધી ભરતી કરવામાં આવે તો ગુજરાતના અસંખ્ય બેરોજગાર યુવાનો અને યુવતીઓને રોજગારી મળી શકે તેમ છે . ગ્રામ કક્ષાએ MPHW , FHW , મુખ્ય સેવિકા , લેબ.ટેક . , ફાર્માસિસ્ટ જે પાયાના કર્મચારી ગણાય છે . અને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પણ પૂરી પાડે છે . અને કોરોનાકાળમાં આ જ પાયાના કર્મચારીઓએ સર્વશ્રેષ્ઠ કામગીરી કરી લોકોના જીવ બચાવેલા છે .


આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં જો આગામી સમયમાં સમયસર ઉપરોકત ભરતી નહિ કરવામાં આવે તો ગ્રામ્ય કક્ષાએ પ્રજાના આરોગ્ય પર વિપરીત અસર પડી શકે તેમ છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યાર સુધી અમારા બેરોજગાર યુવાનો અને યુવતીઓ દ્વારા 1100 જેટલા પોસ્ટકાર્ડ , ટિવટર અભિયાન , ઇ – મેલ અભિયાન તથા અવાર નવાર તાલુકા કક્ષાએ , જિલ્લા કક્ષાએ તથા ગાંધીનગર ખાતે રૂબરૂ રજુઆત કરવા છતાં આપ દ્વારા ગુજરાતના બેરોજગાર યુવાનોને સંતોષ થાય તેવો કોઈ સ્પષ્ટ જવાબ આપેલ નથી અને માત્ર ને માત્ર ઠાલા વચનો જેવાકે આવી જશે , ટૂંક સમયમાં , પ્રોસેસમાં છે , ફાઈલ મંજૂરીમાં છે આવા ઓફિસિયલી જવાબ આપીને ગુજરાતના યુવાનોને ખોટા અને ઠાલા આશ્વાસન આપેલા છે. જેથી અમારા યુવાનોની વિંનતીને ધ્યાને લઈને વહેલી તકે ભરતી કરવા વિંનતી છે.