હત્યાના પ્રયાસ સબબ ફરિયાદ નોંધાઈ: ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ: અમારા શેઠ પર ફરિયાદ કેમ કરશ તેમ કહી હુમલો કરાયો    

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર ૪૯માં સોમવારે બપોરે સ્કૂટર પર જતા કાકા-ભત્રીજાને એક શખ્સે રોકાવી છરી વડે હુમલો કરી બન્નેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. મારા શેઠની સામે ફરીયાદો કેમ કરો છો? તેમ કહી બે યુવાનની હત્યાનો પ્રયાસ કરાતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ઢહરી હતી.

મળતી વિગત મુજબ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષ પરાની શેરી નંબર બેમાં રહેતા વિજયભાઈ કેશુભાઈ વરાણીયા નામના કોળી યુવક સોમવારે બપોરે પોતાના ભત્રીજા સુમિત સાથે એક્સેસ સ્કૂટરમાં દિગ્વિજય પ્લોટ ૪૯માંથી પસાર થતા હતા ત્યારે અન્ય સ્કૂટરમાં ધસી આવેલા યુવરાજસિંહ મહોબતસિંહ કયોર નામના શખ્સે તેને રોકાવ્યા હતા. આ શખ્સે તુ કેમ અમારા શેઠ અનવર કાસમ ખફી અને ઈકબાલ કાસમ ખફીની સામે પોલીસમાં ફરિયાદ કરશ? તમને મારી નાખવા છે તેમ કહી તારી પાછળ વોચ રાખવા માટે અનવર તથા ઈકબાલ કાસમ ખફીએ સૂચના આપી હોવાનું યુવરાજસિંહે જણાવી હુમલો કર્યો હતો. આ શખ્સે પોતાની પાસે રહેલી છરી કાઢી કાકા-ભત્રીજા પર હુમલો કર્યો હતો. જેમાં સુમિતને માથા તથા કપાળમાં બે ઘા વાગ્યા હતા. જ્યારે વિજયભાઈને કાન પર તેમજ ગરદનના ભાગે છરી હુલાવાઈ હતી. લોહીલુહાણ બની ગયેલા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી વિજયભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૨૦(બી), જી. પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ફરીયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.