પ્રેમમાં પાગલ યુવાને અગાસીમાં ઊંઘી રહેલી યુવતીને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી 

 જામનગર મોર્નિંગ - સુરત 

કતારગામના ઉદયનગર વિસ્તારમાં  પોતાના ઘરના ધાબા પર નીંદર માણી રહેલી યુવતી અને તેના પરિવાર પર એકતરફી પ્રેમમાં પાગલ યુવકે હિચકારો હુમલો કરતાં સમગ્ર કતારગામ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પરોઢિયે મીઠી નીંદર માણી રહેલી યુવતીના પેટમાં ચાકુના ઝીંકી દેતા તેણીના આંતરડા બહાર ખેંચાઈ આવ્યા હતા. સાથે સાથે અગાસી પર ઊંઘી રહેલા યુવતીના ભાઈ પર પણ જીવલેણ હુમલો કરતા આ ખૂનીખેલમાં અગાસીમાં ચારેકોર લોહીના છાંટા-છાંટા જ દેખાતા હતા અને બંને ભાઈ-બહેનની ચીસોથી આખી સોસાયટી હબકી ઊઠી હતી. જોકે, ભાગતા આવારા આશિકને લોકોએ પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો જ્યારે ગંભીર રીતે ઘાયલ તમામને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી વિગત મુજબ કતારગામના ઉદયનગરમાં રહેતા હરીશચંદ્ર રામકુમાર યાદવ( ઉ. 45)ના પરિવારમાં તેમના પત્ની, ત્રણ દિકરીઓ અને બે દિકરા છે. તેઓ હીરાના કારખાનામાં મેનેજર છે. વધારે પડતી ગરમીના કારણે તેમની પુત્રી વંદના( ઉ.23), પુત્ર શિવમ( ઉ.24) ધાબા પર જઈને સુતા હતા. જ્યારે હરીશચંદ્ર યાદવ તેમની પત્ની અને અન્ય બાળકો ઘરમાં સુતા હતા. આજરોજ મંગળવારે મળસ્કે ચાર વાગ્યે  એકતરફી પ્રેમમાં પાગલ એવો સનકી સતીષ રમેશ યાદવ ચપ્પુ લઈને ધાબા પર ધસી ગયો હતો અને ધાબા પર નીંદર માણી રહેલી વંદનાને નિશાન બનાવી તેના પેટમાં ચપ્પુનો જોરદાર ઘા મારી દીધો હતો જેના કારણે તેણીના આંતરડા બહાર આવી ગયા હતા. વંદનાની ચીસોના કારણે જાગી ગયેલા તેના ભાઈ શિવમને જોતા જ સતીષે તેના પર પણ આડેધડ હુમલો કરતાં શિવમને ગળેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.  બંને ભાઈ-બહેનની ચીસો સાંભળી ધાબા પર દોડી ગયેલા હરીશચંદ્ર અને તેમના પત્નીને જોઈને પાગલ બની ગયેલા સતીષે યુવતીના પિતા હરીશચંદ્ર પર પણ ચપ્પુથી હુમલો કરી તેઓને ધાયલ કરી નાંખ્યા હતા. સમગ્ર પરિવારની ચીસો સાંભળીને ભેગા થઈ ગયેલા સ્થાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તમામે સતીષ ત્યાંથી ભાગે તે પહેલા જ તેને પકડીને બરાબરનો ઢમઢોર્યો હતો.

તમામ ઘાયલોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલોની સારવાર ચાલુ છે પરંતુ વંદનાને ખૂબ ગંભીર ઈજા પહોંચી હોવાથી તબીબોએ તત્કાળ ઓપરેશન હાથ ધર્યું હતું.  તેણીની હાલત હજી નાજુક બતાવાઈ રહી છે જેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. સતીષના નાનાભાઈએ પોલીસને જણાવ્યું હતું કે સતીષ હીરાના કારખાનામાં જ કામ કરે છે અને ગઈકાલે તેની નાઈટશીફટ હતી. નાઈટશીફટ પતાવીને ઘરે આવવાના બદલે તે સીધો જ વંદનાના ઘરે પહોંચી ગયો હોય તેવું લાગે છે.

કતારગામ પોલીસ મથકના પીઆઈ ધાસુરાએ જણાવ્યું હતું કે સતીષ છેલ્લા કેટલાય સમયથી વંદનાના એકતરફી પ્રેમમાં હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. વળી સતીષના લગ્ન થઈ ગયા હોવાથી વંદના તેની સાથે બોલચાલના પણ સંબંધો રાખવા માંગતી ન હતી. જેના કારણે સતીષે આવું કૃત્ય કરતાં તેની વિરુદ્ધ 307 મુજબનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 વંદનાના પિતા હરીશચંદ્ર યાદવે જણાવ્યું હતું કે સતીષ અગાઉ તેમના ઘર પાસે જ રહેતો હતો પરંતુ તેનો રૂમ નાનો હોવાથી ચાર-પાંચ મહિના પહેલાં જ કુબેરપાર્કમાં રહેવા ચાલ્યો ગયો હતો. એક વરસ પહેલાં જ તેના લગ્ન થયા હતા અને લગ્ન પહેલાથી જ તે મારી પુત્રી વંદનાની પાછળ પડ્યો હતો અને અવારનવાર ધમકીઓ આપતો હતો. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી વધારે હેરાન કરતો હતો અને કહેતો હતો કે મારી સાથે લગ્ન નહિં કરે તો તારા માતા-પિતાને મારી નાંખીશ.