• પાંચ ડમ્પર સાથે દોઢ કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.9 : જામનગર - દ્વારકા રાષ્ટ્રીય ધોરી માર્ગની કામગીરીમાં વપરાતી બ્લેક ટ્રેપ કાળી કાંકરીની રોયલ્ટી ભર્યા વિના રોડમાં વપરાતી હોવા અંગે સ્થાનિક લોકોની મદદથી ખાણ ખનીજ વિભાગે પાંચ ડમ્પર સાથે દોઢ કરોડનો મુદ્દા માલ ઝડપીને સીઝ કર્યો છે.

જામનગર - દ્વારકા રાષ્ટ્રીય ધોરી માર્ગની કામગીરી દોઢેક વર્ષથી ચાલે છે. આ રોડની કામગીરીમાં અગાઉ પરમીટ વિના મોરામ ચોરી પકડાઈ હતી ફરી આ વખતે કાળી કાંકરી રોયલ્ટી વિનાની વાપરતા હોવાનું પકડાયું છે. પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે ખંભાળીયા એન. આર. આઈ.ની ગોળાઈ પાસેથી રોડ માટે કપચી ભરીને જતા ટ્રકોમાં રોયલ્ટી ચોરી થતું હોવાનું સ્થાનિકોને ધ્યાન પર આવતા તેમણે ખાણ ખનીજ વિભાગને જાણ કરતાં ખનીજની ટીમ સ્થળ પર આવીને ચેક કરતાં પાંચ ટ્રકોમાં ખનીજ ચોરી અમુકમાં ઓવરલોડેડ હોવાનું ધ્યાન પર આવતા તે તમામ પાંચ ટ્રક સહીત દોઢ કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરીને હાઇવેનું કામ કરતી કંપની જી. આર. ઇન્ફ્રાષ્ટ્રક્ચર લી. ને આ અંગે નોટિસ અપાઈ છે.

અત્રે એક સવાલ ઉપસ્થિત થાય છે કે રોડના કામમાં વપરાતી મોરમમાં કોઈ રોયલ્ટી ભરવાની હોતી નથી તો પરમીટ કેમ કઢાવવામાં નથી આવતી અને બીજી એ કે કપચીમાં રોયલ્ટી ભરવાની હોય છે જેમાં ચોરી કંઈ રીતે થઇ શકે કેમકે જયારે હાઇવે ઓથોરિટી સમક્ષ બિલ મુકવામાં આવે ત્યારે જેટલું મટીરીયલ વપરાયુ હોય એમાં રોયલ્ટી ભર્યા અંગેના પુરાવા રજુ કરવાનાં હોય છે.

આમ હાલ તો સ્થાનિકોના સહકારથી ખનીજ ચોરી ઝડપાઈ છે પણ ખરેખર તપાસ અંતે સાચું તારણ બહાર આવશે.