જામનગર મોર્નિંગ - ( ભરત હુણ ): જામનગર શહેર જીલ્લામાં વીતેલા એકાદ દશકાથી ગુનાખોરી પ્રમાણમાં શહેરના વિકાસથી પણ ઝડપી વધી રહી હતી. સામાજીક રાજકીય અને નાણાકીય ઓથ તળે ગુનેગાર અને ભાઈલોગ વધી રહ્યા હતા એમાંય ખાસ વીતેલા પાંચ વર્ષમાં તો જામનગરમાં એ હદે ગુનાખોરી વધી જેવી અગાઉ મુંબઈમાં હતી. જમીનો, પ્લોટ પચાવી પાડવા, વેપારીઓ પાસેથી હપ્તા વસુલવા, બેફામ વ્યાજ વસુલવા નાની નાની બાબતમાં કિડનેપ અને હત્યાં આ બધું સાવ સામાન્ય થઇ ગયું. હત્યાંના આઘાતજનક સમાચાર જામનગર માટે સાવ સામાન્ય થઇ ગયા હતા. અને પોલીસ આ બધું મૂક પ્રેક્ષકની જેમ જોઈ રહી હોય એવો ઘાટ ઘડાતો હતો અંતે પ્રજાને તો એમજ થતું કે બસ આમજ હોય આપણે આપણું ધ્યાન રાખવાનું !


દોઢેક વર્ષ પહેલા વિશ્વની સૌથી મોટી ઓઇલ રીફાઈનરી રિલાયન્સનું સંચાલન કરતાં જામનગરના પરિમલ નથવાણીને પણ ફરીયાદ કરવી પડી કે જામનગરમાં પોલીસ તંત્ર પર અને ગુનેગારો પર નિયંત્રણ લાદો એમના સુધી પણ હપ્તા વસુલવા ગેંગ પહોંચી ચુકી હતી. અને ચોકાવનારી વાતતો તે હતી કે રાજકીય ઓથ તળે તત્કાલીન પોલીસ વડા અને રેન્જ આઈજી પણ મૂક સહમત ગુનેગારો સાથે હોવાનો પરિમલ નથવાણીએ આરોપ લગાવ્યા બાદ થોડા સમયમાં બદલીઓ થઇ અને જામનગર જીલ્લા પોલીસ વડા તરીકે કડક અને નિષ્ઠાવાન દીપેન ભદ્રનની નિમણુંક કરાઈ.


જીલ્લા પોલીસ વડા તરીકે દીપેન ભદ્રનનું પોસ્ટિંગ થતા જ તેમણે તેમની સાથે નવી ટીમ બનાવવાની હતી જેના સહારે તેમણે જામનગરને ગુનેગારો અને ગુના મુક્ત કરાવવાનું હતું આ દોઢેક વર્ષ જેટલાં સમયમાં જયેશ પટેલ ગેંગ હોય એ સિવાયના ખનીજ, દારૂ, હપ્તા વસૂલી, મોટા વ્યાજ વસૂલી, સામાન્ય વાતમાં ફાયરિંગ કરતાં આમને બધાને કબ્જે કર્યા છે. આ કામ સામાન્ય ના હતું.. પોલીસ વિભાગમાં પણ ગુનેગારો સાથે હાથ મિલાવેલા ઘણા હતા પણ આ બધાને સાઈડમાં મૂકીને સાથે ચાલી શકે એવા નિષ્ઠાવાન કર્મીઓને શોધીને આ કામગીરી પાર પડાઈ છે જામનગરીઓ મુક્તપણે વિહરતા ફરી થઇ ગયા છે એમને હવે ડર નથી લાગતો કે કોઈ ફાયરીંગ કરશે કે કોઈ હત્યા કરાવી નાખશે કેમકે જામનગર જીલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન સાહેબ છે ગુનાના મૂળ સુધી પહોંચીને સજા કરાવશે... તમારી આ સબળ અને નિષ્ઠાવાન કાર્યશીલી જામનગર કાયમી યાદ રાખશે.


જામનગર જીલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન સાહેબની બઢતી સાથે ગુજરાત એ.ટી. એસ. ના ડી. આઈ. જી. તરીકે નિમણુંક થઇ છે ત્યારે નવી બદલી અને બઢતીની શુભેચ્છાઓ !