• વર્ગ - ૩ ની નોકરી કરતા અને વૈભવી જીવન જીવતા, મન થાય અને મજા આવે ત્યારે આવતા મોટર કારમાં મહાલતા કર્મચારીઓને શિસ્ત અને કામગીરીના પાઠ ભણાવવા જરૂરી છે.


જામનગર મોર્નિંગ - ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાની કલેકટર કચેરીની તાબા હેઠળ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીઓમાં વર્ગ - ૧ અને વર્ગ - ૨ના અધિકારીઓના આળસ કે લાપરવાહીને લીધે સામાન્ય નાગરિકોની અરજીઓ અભેરાઈએ ચડી જાય છે. અધિકારીઓ અરજી વંચાણે લઈ દાખલ તારીખ નાખીને નીચેના કર્મચારીઓ ક્લાર્ક કે નાયબ મામલતદારને મોકલી આપે છે ત્યારબાદ નાયબ મામલતદાર કે કારકુન પસ્તી સમજીને અરજીઓ કબાટમાં કે અભેરાઈએ નાખી દે છે વર્ષો સુધી અરજીઓ પડી રહી હોવાના પણ દાખલા સામે આવ્યા છે. 

દ્વારકા જીલ્લાની મહેસુલી કચેરીમાં જમીન એકત્રીકરણ, નામ સુધારની અરજીઓ, ખરી નકલની અરજીઓ , તાલુકા સ્વાગતની અરજીઓ વિગેરે સાવ સામાન્ય કહી શકાય તેવી અરજીઓ પણ ૨ - ૩ વર્ષ સુધી એમનામ પડતર પસ્તીની જેમ પડી રહે છે ! દર મહીને જવાબદાર અધિકારીઓની આર.ઓ.મીટીંગ મળે છે તેમાં પણ પડતર અરજીઓ બાબતે કેમ કોઈ ટકોર કે ચર્ચા નથી થતી તે સામાન્ય સવાલ થઇ આવે છે. દરેક સરકારી કચેરીમાં નાગરિક અધિકાર પત્ર મુજબ કામ થવું જોઈએ પણ અહી નાગરિક અધિકાર પત્ર ફક્ત એક દીવાલ પોસ્ટરની જેમ લગાવેલ હોય છે. જીલ્લા કલેકટર કે નિવાસી અધિક કલેકટર તાબા હેઠળની તમામ કચેરીઓના આ બાબતે આવક - જાવક રજીસ્ટર ચકાસે અને અહેવાલ માંગે તો અનેક ભોપાળા સામે આવે તેમ છે. મોટા અધિકારીઓના સુવાંગમાં ફરતા અનેક બાબુઓની અભેરાઈ સાફ થાય અને નાગરિકોના કામ થાય તેમ છે. વર્ગ - ૩ની નોકરી કરતા અને વૈભવી જીવન જીવતા, મન થાય અને મજા આવે ત્યારે આવતા મોટર કારમાં મહાલતા કર્મચારીઓને શિસ્ત અને કામગીરીના પાઠ ભણાવવા જરૂરી છે.