જામનગર મોર્નિંગ ખંભાળીયા : તા. ૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લાના ત્રણ નાયબ કલેકટરો જેવા ઉચ્ચ વહીવટી અધિકારીઓની જગ્યા ખાલી હોવાથી જિલ્લામાં લોકોને રોજબરોજના કામોમાં, પડતર કેસોના નિરાકરણમાં ભારે વિલંબ સાથે પરેશાની ભોગવવી પડી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો સરહદી વિસ્તાર છે, પાકિસ્તાન સાથે સમુદ્રી માર્ગથી તદ્દન નજીક આવેલ છે. દ્વારકા અને બેટ જેવા યાત્રાધામોમાં અનેક સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે. આવા અતિ મહત્ત્વના જિલ્લામાં ત્રણ નાયબ કલેકટરની જગ્યા ખાલી છે.

ખંભાળીયાના નાયબ કલેકટરને પ્રમોશન મળતાં તેમની જગ્યાએ ઈન્ચાર્જ તરીકે સંજય કેશવાલાને મુકાયા હતાં. પણ તાજેતરમાં તેઓ ટ્રેઈનીંગમાં જતાં આ જગ્યા પર ફરીથી ઈન્ચાર્જને જવાબદારી સોંપવામાં આવી છે.

દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા લાંચ રૃશ્વત કેસમાં પકડાયા પછી તેમના સ્થાને ખંભાળીયાના કલેકટર કચેરીના મનોજ દેસાઈને ઈન્ચાર્જ તરીકે મુકવામાં આવ્યા છે. દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદારનો ચાર્જ પણ દ્વારકા પ્રાંત પાસે છે તેથી આ જગ્યા પર રાજ્ય સરકાર વ્હેલીતકે કાયમી અધિકારીની નિયુક્તિ કરે તે જરૃરી છે.

દ્વારકા યાત્રાધામમાં રાજ્ય અને કેન્દ્રના રાજકીય નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ મુલાકાતે આવતા હોય જેમની વ્યવસ્થા, પ્રોટોકોલ વગેરે કામગીરીમાં જ સ્થાનિક અધિકારીઓ મોટાભાગે ફરજ બનાવતા હોવાથી પ્રજાલક્ષી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. ખેડૂતોની જમીનના વિવાદી કેસો અને ખેડૂત ખરાઈના દાખલા, સીટી સર્વેની અપીલો, મામલતદાર કચેરી સામેની અપીલો સહિતના સંખ્યાબંધ કેસો દ્વારકાની પ્રાંત કચેરીમાં ચાલી રહ્યા છે પણ અધિકારીઓના અભાવે આ કેસોની સુનાવણી, કાર્યવાહી ખોરંભે પડી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી (નાયબ કલેકટર)ની બદલી થતાં તે જગ્યા પણ છેલ્લા ચાર મહિનાથી ખાલી પડી છે.આ તમામ ઉચ્ચ અધિકારીઓની ખાલી જગ્યાઓ પર રાજ્ય સરકાર તાકીદે કાયમી અધિકારીની નિમણૂક કરે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે. રાજકીય નેતાઓએ પણ આ દિશામાં પ્રયાસો કરવાની જરૃર છે.