જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૧૦ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૨ પ્રાંત અધિકારી, જીલ્લા પુરવઠા અધિકારી સહીતની નાયબ કલેકટરની જગ્યાઓ ખાલી પડી હતી. પ્રાંત અધિકારી ખંભાળીયાને યુ.પી.એસ.સી.માં સિલેકશન મળી જતા, દ્વારકા પ્રાંત અધિકારી રંગે હાથ લાંચ લેતા અને જીલ્લા પુરવઠા અધિકારીની બદલી થતા મહત્વની આ ત્રણ જગ્યાઓ ખાલી પડી હતી. જેથી લોકોની અગત્યની કામગીરીઓ ઠપ્પ થઇ ગઈ હતી. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૨ પ્રાંત અધિકારી અને ૧ જીલ્લા પુરવઠા અધિકારી જેવી મહત્વની ૩ નાયબ કલેકટરની જગ્યાઓ ખાલી  હોવા અંગેના હમણાં બે દિવસ પહેલા મીડિયા અહેવાલો પ્રકાશિત થયા હતા.

 જે બાદ ગઈકાલે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ત્રણ નાયબ કલેકટરને પોસ્ટીંગ આપ્યા છે. જેમાં શ્રી પાર્થ એસ.તલસાણીયાને દ્વારકા પ્રાંત અધિકારી અને શ્રી ધાર્મિક વી.ડોબરીયાને ખંભાળીયા પ્રાંત અધિકારી તરીકે તથા શ્રી કુંજલ શાહને મધ્યાહન ભોજન યોજના એમ ત્રણ નાયબ કલેકટરને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પોસ્ટીંગ અપાયા છે.