મંદિર ટ્રસ્ટનાં ઉપક્રમે યોજાનાર ૮ દિવસનાં ધર્મોત્સવમાં અસંખ્ય શ્રઘ્ધાળુ-માં ભક્તો જોડાશે : તડામાર તૈયારીઓનો પ્રારંભ


જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)


વિરમગામ નજીક આવેલ માંડલ ખાતે આવેલ ઐતિહાસિક ખંભલાય માતાજી મંદિર ત્થા મંદિર ટ્રસ્ટ દ્વારા સમયાંતરે અનેક ધાર્મિક કાર્યક્રમો અવારનવાર યોજાતા રહે છે. આ ધાર્મિક-સામાજીક કાર્યક્રમોમાં દેશભરમાં જુદા જુદા સ્થળોએ વસવાટ કરતા હજ્જારો માઈ ભક્તો ત્થા જે પરિવારમાં કુળદેવી તરીકે પૂજાય છે, તેવા પરિવારો તમામ ધાર્મિક સામાજીક કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાતા રહયા છે. મંદિર ટ્રસ્ટના ઉપક્રમે આગામી નવા વર્ષના પ્રારંભ બાદ તા.૯ થી ૧૬ જાન્યુ. દરમ્યાન મહાવિષ્ણુયાગ તેમજ નવગ્રહ આરાધનાનાં ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કોરોના માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે કરવામાં આવનાર છે. 
માંડલ ખાતે આવેલ શ્રી ખંભલાય માતાજી ટ્રસ્ટનાં ધર્મપ્રેમિઓ દ્વારા ૮ દિવસનાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સદીઓથી ખંભલાય માતાજીનું શ્રઘ્ધા-ભક્તિ પૂર્વક પૂજન કરતા હજ્જારો પરિવાર-મંદિર ટ્રસ્ટ ત્થા દાતાઓના સહયોગથી તા.૯ થી ૧૬ દરમ્યાન યોજાનાર ધર્મોત્સવમાં શ્રી મહાવિષ્ણુયાગ તેમજ દુર્લભ નવગ્રહ મખનો સમાવેશ થાય છે.
માંડલ શ્રી ખંભલાય માતાજી મંદિર ખાતે યોજાનાર શ્રી મહાવિષ્ણુયાગ (યજ્ઞ)માં શ્રી લક્ષ્મીનારાયણની ૨૦૭ છબી સમક્ષ શ્રી સુકતમ (શ્રી લક્ષ્મી મંત્ર-પાઠ) અને શ્રી વિષ્ણુસહસ્ત્ર નામ (ભગવાન વિષ્ણુનાં હજાર નામ-મંત્રો)નું અનુષ્ઠાન કરાવી અભિમંત્રીત કરી ૨૦૭ યજમાનોનાં હસ્તે ૧૬ લાખ સ્વાદિષ્ટ પાયસ (ખાંડ, ભાત, ઘી અને થોડું દૂધનું મિશ્રણ)ની આહૂતિ ૧૬ હજાર શ્રી સુકતમ (લક્ષ્મી મંત્ર-પાઠ)ની આહૂતિ યજ્ઞમાં અર્પણ કરવામાં આવનાર છે.
આપણા વેદ-શાસ્ત્રો પુરાણો ત્થા ધર્મગ્રંથોમાં યજ્ઞનું ધાર્મિક ઉપરાંત સામાજીક, પર્યાવરણ અને આરોગ્યક્ષેત્રે વિશેષ મહત્વ દર્શાવાયેલ છે. યજ્ઞ કરવાથી હવા શુઘ્ધ અને પવિત્ર બને છે જે માનવજીવન માટે હંમેશા ફાયદાકારક હોય છે.
વિષ્ણુમહાયજ્ઞ સાથે નવગ્રહનું પૂજન-અર્ચન પણ કરવામાં આવનાર છે. વિષ્ણુમહાયજ્ઞમાં યજમાનપદે બિરાજનાર યજમાનોને યજ્ઞમાં ઉપરોક્ત મંત્રોચ્ચાર-નામવલિ ત્થા પાઠની આહૂતિ આપ્યા અભિમંત્રીત થયેલ છબી અર્પણ કરવામાં આવનાર છે.સાથે સાથે દુર્લભ શાલિગ્રામ શીલા, શુધ્ધ ચાંદીમાંથી નિર્મિત સુંદર નવગ્રહ યંત્ર, દરરોજ જેમનાં ઘરમાં જ દર્શન થઈ શકશે એવાં મનમોહક સૂર્યનારાયણ દેવ અને બીજી અનેક મુલ્યવાન સામગ્રી ભેટ સ્વરૂપે આપવામાં આવશે. સૌરાષ્ટ્ર-ગુજરાત ભરમા વસતા માતાજીના સૌ ભાવિકો ભક્તો ની જેમ હાલારભરમા પણ રહેતા ભાવિકો મા પણ શ્રદ્ધાસભર ઉત્સાહ જોવા મળે છે.